<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

નશાને ‘ના’ કહેવાની સ્વતંત્ર નિર્ણયશક્તિ કેળવવી એ સ્વસ્થ સમાજના નિર્માણનું પ્રથમ પગલુ

યુવા પેઢીને નશા સામે જાગૃત કરવા પ્રેરણાદાયી આયોજન, ભુજની અદાણી મેડિકલ કોલેજમાં યુવાનોને મિત્રવર્તુળના દબાણ સામે મક્કમતાથી નિર્ણય લઈ નશાથી દૂર રહેવા પ્રેરતી અનોખી આંતરટીમ સ્પર્ધા યોજાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ :  યુવા પેઢીને નશાના દુષ્પરિણામોથી જાગૃત કરવા અને મિત્રવર્તુળના દબાણ વચ્ચે પણ પોતાના સ્વાસ્થ્ય તથા ભવિષ્યને પ્રાધાન્ય આપીને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગ દ્વારા અદાણી મેડિકલ કોલેજ ખાતે અનોખી આંતરટીમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સમજાવતાં મનોચિકિત્સા વિભાગનાં વડા ડૉ. રિદ્ધિબેન ઠક્કરે જણાવ્યું હતું કે યુવાનોને નશાના નુકસાન અંગે જાગૃત કરવા જેટલું જ જરૂરી છે, નશા તરફ પ્રેરિત કરતી પરિસ્થિતિઓ અને મિત્રવર્તુળના દબાણ વચ્ચે પણ આત્મવિશ્વાસપૂર્વક યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી.

કાર્યક્રમની વિશેષતા એ રહી કે ગંભીર સામાજિક વિષયને પરંપરાગત વ્યાખ્યાન કે ચર્ચા પૂરતો સીમિત રાખવાને બદલે મનોરંજક અને સંવાદાત્મક સ્પર્ધાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો હતો. વિવિધ ટીમોએ નાટ્યાત્મક રજૂઆતો, સંવાદ, પ્રશ્નોત્તરી, પરિસ્થિતિ આધારિત ચર્ચા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા નશા સામે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ મિત્રવર્તુળના દબાણને ઓળખવું, નશા માટે પ્રેરિત કરતી પરિસ્થિતિઓનો સામનો કરવો, આત્મવિશ્વાસપૂર્વક ‘ના’ કહેવાની કળા, નશા અંગેની ગેરમાન્યતાઓ અને વૈજ્ઞાનિક તથ્યો વચ્ચેનો તફાવત સમજવો તેમજ નશાની લત તરફ વળતા મિત્રને યોગ્ય મદદ કેવી રીતે કરવી જેવા મહત્ત્વના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કર્યા હતા.

સરકારના ‘નશામુક્ત યુવા, વિકસિત ભારત’ના ૧૦૦ રવિવાર સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા મનોચિકિત્સક અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નીરવ ચાનપા, ડૉ. ગુંજન પ્રજાપતિ, ડૉ. હર્ષ ગોધાણી તથા કાઉન્સેલર હેતલ ગોહિલે જહેમત ઉઠાવી હતી. જ્યારે નિર્ણાયક તરીકે ફાર્માકોલોજી વિભાગનાં ડૉ. હિરલ ગોલકિયા અને ફિઝિયોલોજી વિભાગના વડા ડૉ. હિતેશ સોલંકીએ સેવા આપી હતી.

(9:32 AM IST)