<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ટંકારા તાલુકામાં સાયબર ફ્રોડનો બનાવઃ જબલપુરની પરિણીતા સાથે રૂ. 95 હજારની છેતરપિંડી

ઓનલાઈન શોપિંગનો ઓર્ડર કેન્સલ થયાનું જણાવી ઠગાઈ આચરી, વોટ્સએપ મારફતે APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કર્યો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૪ :  તાલુકામાં સાયબર ઠગાઈના બનાવોમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના જબલપુર ગામે રહેતી એક પરિણીતા ઓનલાઈન શોપિંગના નામે સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ હતી. ઠગબાજોએ ઓર્ડર કેન્સલ થયાનું બહાનું બનાવી વોટ્સએપ મારફતે APK ફાઈલ મોકલી મહિલાનો મોબાઈલ હેક કરી તેના બેંક ખાતામાંથી રૂ. 95,000ની રકમ ઉપાડી લેતા ચકચાર મચી છે.

મળતી વિગતો મુજબ, જબલપુર ગામે રહેતા શીતલબેન વિશાલભાઈ કગથરા (ઉંમર વર્ષ 25) એ મંત્રા (Myntra) એપ્લિકેશન પરથી ઓનલાઈન વસ્તુ મંગાવી હતી. દરમિયાન ગત તા. 29 સપ્ટેમ્બર, 2026ના રોજ અજાણ્યા શખ્સે તેમને ફોન કરી ઓર્ડર કેન્સલ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વિશ્વાસમાં લઈને આરોપીએ વોટ્સએપ મારફતે PDF સ્વરૂપમાં APK ફાઈલ મોકલી હતી.

 

મહિલાએ આ ફાઈલ ડાઉનલોડ કરતાં સાયબર ગઠિયાએ તેમના મોબાઈલનો અનધિકૃત કબજો મેળવી લીધો હતો અને મહિલાની જાણ બહાર બેંક ખાતામાંથી રૂ. 95,000ની રકમ ઈન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઈલ ધારક તથા બેંક ખાતાધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 318(4) તેમજ આઈટી એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(9:44 AM IST)