News of Thursday, 7th May 2026
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો: ધ્રોલના માર્ગો પર વાછરડીને સાથે રાખીને ગૌભક્તોનો હુંકાર !
ધ્રોલમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન: રામધૂન સાથે ભવ્ય રેલી યોજાઈ, મામલતદારને આવેદનપત્ર આપ્યું

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૭ : ધ્રોલ ભારતીય ગૌવંશને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌમાતાનું સન્માન જળવાય તેવા ઉમદા હેતુ સાથે આજે ધ્રોલ ખાતે 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' અંતર્ગત એક વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને સંતો-મહંતો ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ધ્રોલના ત્રિકોણ બાગ (રાજકોટ રોડ) થી કરવામાં આવી હતી. રેલીનું મુખ્ય આકર્ષણ ગાય માતાની નાની વાછરડી હતી, જેને રેલીમાં સૌથી આગળ રાખવામાં આવી હતી. ગૌભક્તો દ્વારા વાછરડીનું પૂજન કરી 'ગૌ માતા કી જય' ના નાદ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં ગૌપ્રેમીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે રામધૂન બોલાવવામાં આવી હતી.
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. ત્યાં ગૌ સન્માન આહ્વાન અભિયાનના પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને દેશી ગૌવંશની સુરક્ષા, સેવા અને તેમને બંધારણીય દરજ્જો આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગૌસેવકોએ જણાવ્યું હતું કે, ગૌમાતા એ ભારતની સંસ્કૃતિનું પ્રતીક છે અને તેમને યોગ્ય સન્માન મળે તે દરેક નાગરિકની ફરજ છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો અને કોઈ પણ જાતની અડચણ વગર શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે ધ્રોલ અને આસપાસના ગ્રામ્ય પંથકમાંથી હજારોની સંખ્યામાં ગૌપ્રેમી જનતા હાજર રહી હતી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
