<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ગુજરાતમાં આજે વરસાદના જોરમાં ઘટાડો, યુવા વેધરમેન ઉત્તમ માળીની આગાહીઃ સંધ્‍યા ટાણે કેટલાક વિસ્‍તારોમાં છૂટાછવાયા ઝાપટાંની શકયતા

સૌરાષ્‍ટ્રના ભાવનગર-અમરેલી, મધ્‍ય ગુજરાત અને કચ્‍છમાં સ્‍થાનિક સિસ્‍ટમના કારણે હળવાથી મધ્‍યમ ઝાપટાં પડી શકેઃ એકંદરે વરસાદી પ્રવૃત્તિઓ ધીમી, પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ભેજ યથાવત

(જયેશ ભટ્ટાસણા દ્વારા)  ટંકારા તા.૨૦: રાજ્‍યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલો વરસાદ આજે થોડો ધીમો પડશે. યુવા વેધરમેન ઉત્તમ માળીએ આગાહી વ્‍યક્‍ત કરી છે કે રાજ્‍યમાં આજે વરસાદની ગતિ અને તેના વિસ્‍તાર બંનેમાં ઘટાડો થવાની સંભાવના છે.

જોકે વાતાવરણમાં ભેજ અને સ્‍થાનિક સિસ્‍ટમ સક્રિય હોવાના કારણે કેટલાક ચોક્કસ વિસ્‍તારોમાં હજુ પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાંનો દોર ચાલુ રહેશે.

સૌરાષ્‍ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા-જુદા વિસ્‍તારોમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્‍ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ બે જિલ્લાના કેટલાક સ્‍થળોએ મધ્‍યમથી લઈને સારા વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. સાંજના સમયે વાદળો બંધાતા ઝાપટાં પડી શકે છે.

મધ્‍ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના વિવિધ ભાગોમાં પણ આજે વરસાદનું જોર નરમ રહેશે. ગઈકાલની સરખામણીમાં વરસાદનું પ્રમાણ ઘટશે. પરંતુ અલગ-અલગ વિસ્‍તારોમાં સ્‍થાનિક સ્‍તરે વાદળો બંધાવાના કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

સરહદી જિલ્લા કચ્‍છના પણ અનેક વિસ્‍તારોમાં આજે મેઘરાજાની છૂટીછવાઈ બેટિંગ જોવા મળી શકે છે. અહીંના ભુજ, માંડવી, નખત્રાણા સહિતના કેટલાક ચોક્કસ વિસ્‍તારોમાં વાતાવરણ પલટાતાં સારા એવા વરસાદી ઝાપટાં પડી શકે છે. વહેલી સવારથી જ કચ્‍છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

એકંદરે જોઈએ તો રાજ્‍યમાં વરસાદી પ્રવળત્તિઓ ધીમી પડી છે. ભારે વરસાદનો કોઈ એલર્ટ નથી. પરંતુ સ્‍થાનિક વાદળો બંધાવાના કારણે હળવાથી મધ્‍યમ ઝાપટાંનો અનુભવ થતો રહેશે. ખાસ કરીને સંધ્‍યા ટાણે એટલે કે સાંજના સમયે વાદળો બંધાતા કેટલાક વિસ્‍તારોમાં ઝાપટાં પડી શકે છે.

હવામાન નિષ્‍ણાતોના મતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સારું હોવાથી ગરમીનો પ્રકોપ પણ ઓછો રહેશે. ખેડૂતોએ હાલ વાવણી માટે થોડી રાહ જોવી પડે તેમ છે, જોકે ભેજવાળું વાતાવરણ ખેતી માટે લાભદાયી બની રહેશે.

(12:08 PM IST)