તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 20th November 2026
ભાવનગરમાં શનિવારે દીપોત્સવની ભવ્ય ઉજવણી, ૧,૧૧૧ પરિવારો વતી દીપ પ્રાગટ્ય થશે
ભાવનગરની સુખ-સમૃદ્ધિ માટેની પ્રાર્થનાઓ અયોધ્યા મોકલાશે, ભાવનગરને સમર્પિત સૌપ્રથમ મ્યુઝિક આલ્બમ ‘ભાવનગરની નિયતિ’નું થશે અનાવરણ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભારતીય સંસ્કૃતિની ઉજવણી, સેવા સંકલ્પોની પૂર્તિ અને ભાવનગરના ઉજ્જવળ ભવિષ્યની મંગલકામનાના ઉદ્દેશથી સામાજિક કાર્યકર ડો. નિયતિબેન પંડ્યાના આયોજન હેઠળ આગામી શનિવાર, તા. ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે રૂપાણી સર્કલ ખાતે “ભાવનગર દીપોત્સવ ૨૦૨૬” યોજાશે. આ વર્ષે દીપોત્સવમાં ૧,૧૧૧ હિન્દુ પરિવારો વતી દીપપ્રાગટ્ય અને પ્રભુ શ્રીરામના ચરણોમાં ભાવનગર માટે મંગલકામના જેવી વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
દીપોત્સવ ફટાકડા મોલના પાંચ સંકલ્પો પૈકીના અંતિમ બે સંકલ્પોની પૂર્તિરૂપે આ વર્ષના ભાવનગર દીપોત્સવમાં ૧,૧૧૧ હિન્દુ પરિવારોના નામે દીવડાં પ્રગટાવવામાં આવશે. ભાવનગર દીપોત્સવ ૨૦૨૬નું ઉદ્ઘાટન વરિષ્ઠ નાગરિક અને નિવૃત્ત શિક્ષક બાબાભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત ઉપસ્થિત મહેમાનો, સ્વયંસેવકો, નાગરિકો અને રાહદારીઓ પણ સામૂહિક દીપપ્રાગટ્યમાં સહભાગી બનશે.
આ વર્ષના દીપોત્સવની અંતર્ગત ભાવનગરના નાગરિકોને પોતાના પ્રિય શહેર ભાવનગર માટે પ્રભુ શ્રીરામના ચરણોમાં મંગલકામના કરવાની તક મળશે. નાગરિકો ભાવનગરના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રાર્થના લખી શકશે. આ માટે કાર્યક્રમસ્થળે વિશેષ પત્રિકાઓની વ્યવસ્થા કરવામાં આવશે. નાગરિકો દ્વારા લખવામાં આવેલી પ્રાર્થનાઓ એકત્રિત કરીને અયોધ્યા સ્થિત શ્રીરામ મંદિર ખાતે મોકલવામાં આવશે.
આ દીપોત્સવના અવસરે ભાવનગરને સમર્પિત વિશેષ મ્યુઝિક આલ્બમ “ભાવનગરની નિયતિ”નું અનાવરણ કરવામાં આવશે. એક ભાવનગરી તરફથી ભાવનગરને સમર્પિત એક પ્રયાસની ભાવના સાથે ડો. નિયતિબેન પંડ્યાની પરિકલ્પના તથા એમની ક્રિએટિવ ટીમ દ્વારા તૈયાર થયેલું આ આલ્બમ ભાવનગરમાં વસતા તેમજ દેશ-વિદેશમાં સ્થાયી થયેલા ભાવનગરીઓની લાગણીઓ, યુવાનોની આકાંક્ષાઓ અને વ્યાવસાયિક મહિલાઓના મનની વાતને સંગીતના સૂરમાં વ્યક્ત કરે છે. આ આલ્બમનું શ્રીમતી ગીતાબેન રાવળના હસ્તે અનાવરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ સાથે ડો. નિયતિબેન પંડ્યાની “રિવાઇવ ભાવનગર” મુહિમ અંતર્ગત શહેરના સર્વાંગી વિકાસ માટે નાગરિકોના વિચારો, સૂચનો અને સહયોગ મેળવવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમસ્થળે ઉપલબ્ધ પત્રિકા તથા QR કોડ દ્વારા નાગરિકો ભાવનગરના વિકાસ માટે પોતાના સૂચનો રજૂ કરી શકશે. આ ઉપરાંત શહેર માટે અત્યાર સુધી કરેલાં કાર્યો, ભવિષ્યમાં પોતે આપી શકતા યોગદાન કે સહયોગ આપવાની ઇચ્છા પણ નોંધાવી શકશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, ડો. નિયતિબેન પંડ્યા, સ્વયંસેવકો અને નાગરિકો દ્વારા સામૂહિક દીપપ્રાગટ્ય કરવામાં આવશે. કાર્યક્રમના અંતે આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંગે ડો. નિયતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, “દીપોત્સવ ફટાકડા મોલ દરમિયાન લીધેલા સેવા સંકલ્પોની પૂર્તિ સાથે આ વર્ષે આપણે ભાવનગરના સુખ, સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રભુ શ્રીરામના ચરણોમાં સામૂહિક મંગલકામના કરીશું. આપણા શહેર માટે દરેક નાગરિકના મનમાં રહેલી લાગણી, સારા વિચારો અને કંઈક કરી છૂટવાની ઇચ્છા જ ભાવનગરની સાચી શક્તિ છે. આ શક્તિને એકત્રિત કરીને ભાવનગરના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સહુએ સાથે મળીને કાર્ય કરવાનું છે.”
ડો. નિયતિબેન પંડ્યા દ્વારા ભાવનગરના તમામ નાગરિકોને પરિવાર સહિત દીપોત્સવમાં ઉપસ્થિત રહી દીપપ્રાગટ્ય કરવા, પ્રભુ શ્રીરામના ચરણોમાં ભાવનગર માટે પોતાની પ્રાર્થના લખવા તથા રિવાઇવ ભાવનગર મુહિમ અંતર્ગત શહેરના વિકાસ માટે વિચારો અને સહયોગ નોંધાવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
