News of Tuesday, 12th May 2026
વાંકાનેર યાર્ડમાં અકસ્માત મૃત્યુ સહાય મુદ્દે ફરી ઉઠી માંગઃ ખેડૂત અને મજૂરોને સુરક્ષા કવચ આપવા રજૂઆત

વાંકાનેરઃ તા.૧ર, માર્કેટિંગ યાર્ડ ખાતે સામાન્યસભાની બેઠકમાં ખેડૂતો તેમજ યાર્ડમાં કાર્યરત મજૂરો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના અમલમાં મૂકવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
વાંકાનેરમાર્કેટિંગ યાર્ડના યુવા ડિરેકટર અશ્વિનભાઇ મેઘાણીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે અગાઉ મળેલ મિટિંગમાં પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેની કોઇ અમલવારી કરવામાં આવી નથી. જેના પગલે ફરી એકવાર આજની બેઠકમાં આ પ્રશ્નને રજૂ કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં જણાવાયું હતુ કે વાંકાનેર તાલુકાના તેમજ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતા તમામ ખેડૂત ખાતેદારોને અકસ્માત કે અણધારી મૃત્યુની પરિસ્થિતિમાં સહાય મળવી જોઇએ, ઉપરાંત યાર્ડમાં ઉતરાઇ, તોલાઇ, માલ સંભાળવું તેમજ માલ ભરાઇ જેવા જોખમી કામોમાં જોડાયેલા મજૂરોને પણ અકસ્માત મૃત્યુ સહાયનો લાભ આપવામાં આવે.
અન્ય માર્કેટિંગ યાર્ડોમાં આવી સહાય યોજનાઓ અમલમાં હોવાનો ઉલ્લેખ કરી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પણ સમાન રીતે સહાય યોજના શરૂ કરવાની જરૂરિયાત વ્યકત કરી હતી. આ રજૂઆતને ડિરેકટર જલાભાઇ શેરસીયા તથા ડિરેકટર યુનુસભાઇ ખોરજીયાએ પણ ટેકો આપ્યો હતો. બેઠકમાં આ મુદ્દે સકારાત્મક ચર્ચા થતાં ખેડૂતો અને મજૂરોમાં આશાની લાગણી જોવા મળી રહી છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
