News of Thursday, 21st May 2026
દેવભૂમિ દ્વારકા પોલીસ અને PGVCLનું સંયુક્ત ઓપરેશન: વીજ ચોરો સામે તવાઈ, 119 સ્થળે દરોડા
ખંભાળિયા ડિવિઝનમાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરોને ત્યાંથી 58 ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા, રૂ. 27.96 લાખનો દંડ ફટકારાયો, 32 જોડાણ કાપી નંખાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૧ :દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વોની આર્થિક કમર તોડવા માટે ગેરકાયદેસર વીજ જોડાણ સામે અભૂતપૂર્વ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખંભાળિયા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં PGVCLની ટીમને સાથે રાખીને પોલીસે લિસ્ટેડ બુટલેગરો, જુગારીઓ, હિસ્ટ્રીશીટર, એમ.સી.આર, ટપોરીઓ તથા વારંવાર ગુનો કરવાની ટેવવાળા શંકાસ્પદ ઈસમોના રહેણાકો પર એકસાથે સપાટો બોલાવ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ વિભાગની સીધી સૂચના અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ, ખંભાળિયા ડિવિઝનની રાહબરી હેઠળ ખંભાળિયા, ભાણવડ, સલાયા મરીન અને વાડીનાર મરીન પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસ અને PGVCLની સંયુક્ત ટીમો દ્વારા કુલ 119 ઈસમોના રહેણાક અને ધંધાના સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. કુલ 58 જેટલા ઈસમોના ત્યાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા હતા. આ તમામ વીજ ચોરોને PGVCL દ્વારા તાત્કાલિક કુલ રૂપિયા 27,96,000/- નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ 32 સ્થળે ચાલતા ગેરકાયદેસર વીજ જોડાણ તાત્કાલિક અસરથી કટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પો.સ્ટે.નું નામ ચેક કરેલ ઈસમો ગેરકાયદેસર વીજ કનેક્શન વીજ જોડાણ કટ કુલ વીજ દંડ રૂપિયા
ખંભાળિયા 34 18 02 5,80,000/-
ભાણવડ 33 11 00 6,48,000/-
સલાયા મરીન 38 26 26 13,00,000/-
વાડીનાર મરીન 14 03 04 2,64,000/-
**કુલ** **119** **58** **32** **27,96,000/-**
સૌથી વધુ વીજ ચોરીના કેસ સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 26 કેસ મળી આવ્યા હતા, જ્યાં રૂ. 13 લાખનો દંડ ફટકારાયો હતો.
આ સમગ્ર કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. રાણા ખંભાળિયા, પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. કરપડા ભાણવડ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા સલાયા મરીન, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવા વાડીનાર મરીન સહિત તમામ પોલીસ સ્ટેશનોનો સ્ટાફ અને PGVCLના કર્મચારીઓ જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેનાથી થતી આર્થિક આવકના સ્ત્રોતને ડામવા માટે આ પ્રકારની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે. વીજ ચોરી કરતા ઈસમો સામે હવે પોલીસ અને PGVCLની સંયુક્ત ટીમની બાજ નજર રહેશે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
