<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

આંસુમાં ડૂબેલો વિકાસઃ સાવરકુંડલાના પાલાવાળાઓની કરૂણ પોકાર ત્રણ પેઢીની રોજીરોટી છીનવાઈ

નદી બજારના પાલા હટાવતાં સેંકડો પરિવારો બેરોજગાર, કેન્‍સરના દર્દી સહિત અનેકની હાલત કફોડીઃ જીવવું કે મરવું, ખાવું કે ભીખ માગવીની સ્‍થિતિ, વૈકલ્‍પિક જગ્‍યા માટે આજીજી

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૮: વિકાસના નામે ત્રણ-ત્રણ પેઢીથી ચાલતા પાલા હટાવી લેવાતાં સાવરકુંડલાના નદી બજારના વેપારીઓની આંખમાં આંસુ અને પેટમાં આગ લાગી છે. વર્ષોથી નાનો-મોટો ધંધો કરી કુટુંબનું ગુજરાન ચલાવતા સેંકડો પાલાધારકો આજે રસ્‍તા પર આવી ગયા છે. અમારે જીવું કે મરવું, ખાવું કે ભીખ માગવી તેવી કરૂણ વ્‍યથા સાથે તેઓ વૈકલ્‍પિક જગ્‍યાની માગ કરી રહ્યા છે.

પાલા ધારકો જણાવે છે કે આ પાલા અમારા માટે માત્ર દુકાન નહીં, પરંતુ અમારા પરિવારનું ઘર હતું. ત્રણ પેઢીથી અમે અહીં બેસીને રોજીરોટી રળતા હતા. આજે ધંધો છીનવાઈ જતાં ઘણા લોકોના ખાવા-પીવાના સાંસા પડી ગયા છે. અનેક પાલાવાળા પોતાની જૂની જગ્‍યા પર આવીને નિહાપા નાખી રડે છે. આ લ્લશ્‍ય આમ નાગરિકો પણ સહન કરી શકતા નથી.

એક પાલા ધારકે વ્‍યથા વ્‍યક્‍ત કરતા કહ્યું કે, ૨૦ વર્ષ સુધી દીકરીને ઉછેરીને સાસરે વળાવીએ ત્‍યારે જે દુઃખ થાય તેના કરતાં વધુ દુઃખ આ પાલા જવાથી થયું છે. ઘણા વેપારીઓએ ઘર ગીરવે મૂકીને કે લોન લઈને પાલામાં ધંધો શરૂ કર્યો હતો. હવે પાલા ગયા તો લોનના હપ્તા કેમ ભરવા અને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ મોટો સવાલ ઉભો થયો છે.

એક કેન્‍સર પીડિત પાલાધારકે જણાવ્‍યું કે, આ પાલા પરથી ૧૩ વ્‍યક્‍તિનું ગુજરાન ચાલતું હતું. હું કેન્‍સરનો દર્દી છું, રોજની ૫૦૦ રૂપિયાથી વધુની દવા આવે છે. હવે બધું ક્‍યાંથી લાવવું? અમારે જીવવું કે મરવું, ખાવું કે ભીખ માગવી કંઈ સમજાતું નથી.

પાલા ધારકોની એક જ માંગ છે કે તંત્ર બે હાથ જોડીને વિનંતી સાંભળે અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે વૈકલ્‍પિક જગ્‍યા ફાળવે. ગરીબ માણસોની વેદના જોઈને લોકોના દિલ પણ દ્રવી ઉઠે છે. આંસુમાં ડૂબેલો વિકાસ કેટલો વ્‍યાજબી કહેવાય તેવો સવાલ આજે સાવરકુંડલાની જનતા પૂછી રહી છે.

(10:23 AM IST)