<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા પૂ.જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી

ભુજ અને આસપાસના પંચકોશી વિસ્તારના ૧૧ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો, લોહાણા સમાજના યુવાનો, મહિલા મંડળ અને વિવિધ સંસ્થાઓના કાર્યકરોએ ભોજન પ્રસાદની વ્યવસ્થા સંભાળી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮ :  સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ કારતક સુદ સાતમ, તા. ૧૬ નવેમ્બર, સોમવારના રોજ ભક્તિભાવ, હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ એલ. ચંદેના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર લોહાણા જ્ઞાતિના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દિવસભર વિવિધ ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે યોજાયેલા સમૂહ ભોજન પ્રસાદમાં ભુજ તથા આસપાસના પંચકોશી વિસ્તારના ૧૧ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.

મહાજનના મંત્રી કમલભાઈ આર. કારીઆની યાદી અનુસાર, સવારે ૮:૩૦ કલાકે શ્રી દરિયાસ્થાન મંદિર, ચોક ફળિયા ખાતે પૂજ્ય જલારામ બાપાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજનવિધિ અને સંગીતમય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેનું કચ્છી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. હરેશભાઈ કતિરા, કીર્તિભાઈ ઠક્કર, અમદાવાદ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ધીરજભાઈ ચંદે, શશીકાંતભાઈ ઠક્કર, કમલભાઈ કારીઆ અને હિતેશભાઈ ઠક્કર દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના ઉપપ્રમુખ કમલભાઈ સોનપાર, મંત્રી મનોજભાઈ સોનપાર અને રાજેન્દ્રભાઈ સોનપારનું પણ સન્માન કરાયું હતું.

જલારામ જયંતિ ઉત્સવના મુખ્ય દાતા યજમાન પરિવાર ગં. સ્વ. નાથાબેન શંકરલાલ ઠક્કર (કેશરીયા), શ્રીમતી વસંતબેન શાંતિલાલભાઈ કેશરીયા, શ્રીમતી સરસ્વતીબેન શશીકાંતભાઈ કેશરીયા, શ્રીમતી ભાવનાબેન મહેશભાઈ કેશરીયા (સ્વ. ઇલાબેન), શ્રીમતી ડિમ્પલબેન પરેશભાઈ કેશરીયા, શ્રીમતી શ્વેતાબેન ભાવિકભાઈ કેશરીયા, શ્રીમતી નિરાલીબેન ધ્યાનીશભાઈ કેશરીયા અને મીરાબેન શિવમભાઈ કેશરીયાના શુભ હસ્તે પૂજનવિધિ સંપન્ન થઈ હતી. આ અવસરે ભુજ લોહાણા મહાજનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા દાતા પરિવારનું શાલ ઓઢાડી, ચાંદીના મોમેન્ટો અને પ્રતિક ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પૂજનવિધિના આચાર્ય તરીકે દિપેનભાઈ જોષી રહ્યા હતા, જ્યારે શ્રી હાંડલા ગરબી મિત્ર મંડળના સભ્યોએ પ્રસાદની વ્યવસ્થા સંભાળી હતી.

જન્મજયંતિના આ પાવન અવસરે બપોરે શ્રી માધાપર, શ્રી મીરઝાપર, શ્રી સુખપર લોહાણા મહાજન, શ્રી મુન્દ્રા રીલોકેશન સાઈટ અને રવાણી ફળિયા મંદિર ખાતે શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રતિનિધિઓએ મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ નોંધાવી હતી. આ દરમિયાન ભક્તજનો અને જ્ઞાતિજનોને જલારામ જયંતિ તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

જલારામ જયંતિ ઉત્સવના તમામ કાર્યક્રમો, સાંજના સમૂહ પ્રસાદ અને પેઢી ફંડ સ્વીકારવા સહિતની વ્યવસ્થાઓને સફળ બનાવવા મહાજનના ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, સહમંત્રી અલ્પેશભાઈ ચંદે, ડો. પ્રફુલાબેન કોટક, ભુજ લોહાણા મહિલા આશ્રમના પ્રમુખ ચેતનભાઈ ઠક્કર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, મહિલા મંડળનાં પ્રમુખ પલ્લવીબેન ઠક્કર સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને આમંત્રિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

સમૂહ પ્રસાદમાં ૧૧ હજારથી વધુ લોકોએ લીધો લાભ:

સાંજે ભુજના શ્રી નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજન વાડી, શ્રી રસિક કતિરા પાર્ટી પ્લોટ તેમજ વડીલો માટે મહિલા આશ્રમ ખાતે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધાપર, મીરઝાપર, સુખપર, રાયધણપર તથા ભુજ શહેરની આસપાસના પંચકોશી વિસ્તારનાં ગામોના જ્ઞાતિજનો ઉપરાંત સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન અને દેપાળા જ્ઞાતિના લોકોએ પણ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, અંદાજે ૧૦,૫૦૦થી ૧૧,૦૦૦ જેટલા લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

આટલી વિશાળ સંખ્યામાં લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવી એ મોટું આયોજન હતું. આ સેવાકાર્યમાં શ્રી ભુજ લોહાણા મહાજન, શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ અને શ્રી ભુજ લોહાણા યુવા મંડળના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો સાથે શ્રી હાંડલા ફળિયા ગરબી મંડળ, શ્રી રઘુવંશી ઉત્કર્ષ મંડળ નવી રાવલવાડી, ગેરવારી ગરબી મિત્ર મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજ તથા મહિલા પાંખ, શ્રી વાગડ રઘુવંશી સમાજ યુવાપાંખ, શ્રી વાગડ લોહાણા રઘુવંશી પરિવાર, શ્રી પ્રમુખ સ્વામી નગર રઘુવંશી પરિવાર, શ્રી ઉત્તર ગુજરાત લોહાણા સમાજ, સંસ્કારનગર રઘુવંશી પરિવાર, ગણાત્રા પરિવાર, શ્રી વોકળા ફળિયા મિત્ર મંડળ, શ્રી ઉમેદનગર અને શ્રી નરનારાયણ નગરના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. ખાસ કરીને સમાજના યુવાનો અને મહિલા મંડળની સક્રિય ભાગીદારીથી ભોજન પીરસવાની સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે પાર પડી હતી.

સાંજના સમૂહ પ્રસાદ દરમિયાન મહાજનમાં વર્ષોથી નિઃશુલ્ક પ્રસાદ બનાવવાની સેવા આપતા જીતુભાઈ ઠક્કર, ધર્મેશભાઈ ઠક્કર અને જયભાઈ ઠક્કર (જીજ્ઞા રેસ્ટોરન્ટ) વાલાનું કચ્છી પાઘડી પહેરાવી અને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવાભાવનાને મહાજને બિરદાવી હતી અને તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભક્તિસંગીતથી ગુંજી ઊઠ્યું વાતાવરણ:

જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાત્રે ૮ વાગ્યાથી રાજ ગઢવી ટીમ અને નીલેશ ગઢવીના સથવારે ભક્તિસંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ભક્તિગીતોનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલભાઈ કારીઆએ કર્યું હતું.

આમ, જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિએ ભુજ લોહાણા મહાજન દ્વારા ભક્તિ, સંગઠન, સમર્પણ અને સમાજસેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ખાસ કરીને ૧૧ હજારથી વધુ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા અને તેમાં સમાજના યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાઓની સહભાગીદારી જ્ઞાતિની એકતા અને સેવાભાવનાનું પ્રેરક ઉદાહરણ બની રહી હતી.

(9:29 AM IST)