<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ગુજરાત સરકારના ખેડૂતલક્ષી મોટા નિર્ણયને વધાવતા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્‍ય ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયા

વીજ ટાવર અને લાઇનના વળતરમાં માતબાર વધારો, હવે બજાર ભાવના બમણા દરે ચૂકવાશેઃ ટાવર બેઝના માપમાં ૧ મીટરનો વધારો, ૧૦૦% એકી સાથે ચૂકવણી, MRCની રચના

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી તા.૪: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં વીજ ટાવર અને વીજ લાઇનના વળતર અંગે ઐતિહાસિક નિર્ણય લીધો છે. નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા રાજ્‍ય મંત્રી કૌશિક ભાઇ વેકરીયાની હાજરીમાં ખેડૂતો સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.જેને ધોરાજી-ઉપલેટાના ધારાસભ્‍ય ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયાએ વધાવ્‍યો છે.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્‍ય ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયાએ જણાવ્‍યું છે કે,અત્‍યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર એટલે કે ૨૦૦% લેખે વળતર મળતું હતું. હવે જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવે વળતર ચૂકવવામાં આવશે.

ટાવર બેઝ વિસ્‍તારની ગણતરીમાં પણ ખેડૂતલક્ષી ફેરફાર કરાયો છે. અત્‍યાર સુધી વાસ્‍તવિક માપ મુજબ જ વળતર અપાતું હતું, પરંતુ હવેથી ટાવરના બેઝની ચારેય બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વળતર અપાશે. ઉદાહરણ તરીકે ૭૬૫ કે.વી. લાઇનમાં અગાઉ ૬૨૫ ચોરસ મીટરનું વળતર મળતું હતું, તેના બદલે હવે ૭૨૯ ચોરસ મીટરનું વળતર ચૂકવાશે.

ચૂકવણી પદ્ધતિમાં પણ સરળતા કરાઈ છે. અગાઉ ફાઉન્‍ડેશન વખતે ૪૦% , ઇરેક્‍શન વખતે ૪૦% અને વાયર લગાડ્‍યા બાદ ૨૦% એમ ત્રણ તબક્કામાં ચૂકવણી થતી હતી. હવે ખેડૂતોને શરૂઆતમાં જ ૧૦૦% વળતર એકી સાથે ચૂકવવામાં આવશે.

જમીનની વાસ્‍તવિક બજાર કિમત તટસ્‍થ રીતે નક્કી કરવા રાજ્‍ય સરકાર દ્વારા 'માર્કેટ રેટ કમિટી' પ્‍ય્‍ઘ્‍ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કલેક્‍ટર, ટ્રાન્‍સમીશન સર્વિસ પ્રોવાઇડર સાથે અસરગ્રસ્‍ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝ્‍ડ માર્કેટ વેલ્‍યુઅરને પણ સ્‍થાન આપવામાં આવશે.

વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નક્કી થયેલ બજાર કિમતના આધારે વળતર અપાશે. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૩૦%, નગરપાલિકા વિસ્‍તારમાં ૪૫% અને મહાનગરપાલિકા વિસ્‍તારમાં ૬૦% મુજબ વળતર ચૂકવાશે.

સરકારે વધુમાં સ્‍પષ્ટ કર્યું કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજુ ચાલુ હોય, તેવા તમામ ખેડૂતોને પણ આ નવી નીતિનો લાભ મળશે.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્‍ય શ્રી ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયાએ આ નિર્ણયને આવકારતા જણાવ્‍યું કે, ખેડૂતોની લાંબા સમયની રજૂઆતને ધ્‍યાનમાં રાખીને સરકારે બજાર ભાવ આધારિત વળતરનો નિર્ણય કરી ખેડૂતોને ન્‍યાય આપ્‍યો છે.

(10:01 AM IST)