News of Friday, 15th May 2026
ધ્રોલ કોર્ટનો મોટો ચુકાદો: રૂ. 2.60 કરોડના ચેક બાઉન્સ કેસમાં આરોપીને 2 વર્ષની જેલ : પૂરી રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશ
બાલાજી એન્ટરપ્રાઇઝના ભાગીદાર રૂષી મહેતાએ મિત્ર જેન્તીભાઈ બારૈયા પાસેથી હાથ ઉછીના લીધા હતા; ન્યાયાધીશ મિલાપ કોટડીયાનો ચુકાદો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૫ : ધ્રોલની નામદાર કોર્ટે ચેક રિટર્ન અંગેના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતા આરોપીને બે વર્ષની જેલની સજા અને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, રાજકોટના રહેવાસી ફરિયાદી જેન્તીભાઈ નાથાભાઈ બારૈયા અને આરોપી રૂષી નર્મદાશંકર મહેતા વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. બંને 'બાલાજી એન્ટરપ્રાઇઝ' નામની પેઢીમાં ભાગીદારીમાં ધંધો કરતા હતા. તે પરિચયના નાતે જેન્તીભાઈએ વર્ષ 2016 થી 2017 દરમિયાન આરોપી રૂષી મહેતાને જરૂરિયાત મુજબ ટુકડે-ટુકડે કુલ રૂ. 2,60,98,178 હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ રોકડ અને RTGS દ્વારા ચૂકવવામાં આવી હતી.
આ લેણી રકમ પરત કરવા માટે આરોપીએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, રાજકોટ શાખાનો ચેક આપ્યો હતો. જેન્તીભાઈએ આ ચેક પોતાની ધ્રોલ સ્થિત બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો. ત્યારબાદ વકીલ મારફત લીગલ નોટિસ પાઠવવા છતાં રકમ પરત ન મળતા જેન્તીભાઈએ ધ્રોલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ વકીલોની દલીલોને ધ્યાને રાખી, ધ્રોલ કોર્ટના ન્યાયાધીશ મિલાપ એ. કોટડીયાએ આરોપી રૂષી નર્મદાશંકર મહેતાને તકસીરવાન ઠેરવી 2 વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂ. 2,60,98,178 ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે ધ્રોલના સિનિયર એડવોકેટ યોગેશકુમાર વી. મહેતા, વિશ્વાસ વાય. મહેતા, શાબાઝ એ. દલ અને દિશાંગ કે. વૈષ્ણવ રોકાયા હતા.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
