News of Saturday, 7th November 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળી પર્વનો ઉત્સાહઃ આજે શનિવાર અને કાળી-ચૌદશનો સંયોગ
કાલે દિવાળીએ લક્ષ્મીપૂજન અને ફટાકડાની આતાશબાજી, સોમવારે ધોકો-પડતર દિવસ, મંગળવારે નૂતન વર્ષે નવા ચોપડા પૂજાશે

રાજકોટ,તા.૭: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં દીપાવલી પર્વની અનેરી રોનક છવાઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી બજારોમાં ખરીદીનો ધસારો જોવા મળી રહ્યો છે. કાપડ બજાર, સોના-ચાંદી બજાર, વાસણ બજાર, મીઠાઈની દુકાનો અને ફટાકડા બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી છે. ઘર આંગણે સફાઈ, રંગરોગાન, રોશનીના શણગાર અને રંગોળીથી તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
આજે શનિવારે કાળી ચૌદશ અને શનિવારનો દુર્લભ સંયોગ રચાયો છે. જેને શનિ-ચૌદશના મહાસંયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ હનુમાન મંદિરો, કાળી માતાના મંદિરો અને શનિ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગી છે.
ભક્તો હનુમાનજીને તેલ, સિદૂર, ફૂલહાર અને નૈવેદ્ય અર્પણ કરી રહ્યા છે. તો કાળી માતાના મંદિરે ખાસ પૂજા-અર્ચના, હવન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શનિદેવની કૃપા મેળવવા માટે ભક્તો તલના તેલનો દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી રહ્યા છે. આ સંયોગમાં દાન-પુણ્યનું પણ વિશેષ મહત્વ હોવાનું શાષોમાં જણાવવામાં આવ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા પણ ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કાલે રવિવારે દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી થશે. આ દિવસે ઘરે-ઘરે સાંજે લક્ષ્મીજી, ગણેશજી અને કુબેરજીનું વિધિવત પૂજન થશે. વેપારીઓ પોતાની દુકાનો અને પેઢીઓમાં ચોપડા પૂજન કરશે. ઘરોને દીવા, કંદીલ અને લાઈટિગથી શણગારવામાં આવશે.
રાત્રે આકાશમાં ફટાકડાની મનમોહક આતશબાજી સર્જાશે. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરશે. તંત્ર દ્વારા ફટાકડા ફોડવા માટે નિયત સમય અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રીન ફટાકડા વાપરવા પણ લોકોને જણાવવામાં આવ્યું છે.
મીઠાઈની દુકાનોમાં પણ ખાસ ભીડ જોવા મળી રહી છે. લોકો સગા-સંબંધીઓ અને મિત્રોને મીઠાઈ અને ભેટ-સોગાદ આપીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
સોમવારે 'ધોકો' એટલે કે પડતર દિવસ રહેશે. આ દિવસે કોઈ શુભ કાર્ય થતું નથી પરંતુ લોકો આ દિવસને આરામ અને મિલનના દિવસ તરીકે ઉજવે છે. દિવાળી પછી સગા-વહાલાઓ એકબીજાના ઘરે જઈને મળે છે, જમણવાર યોજાય છે અને દિવાળીની યાદોને વાગોળે છે. યુવાનો આ દિવસે ફરવા અને પિકનિક પર જવાનું પણ આયોજન કરે છે.
મંગળવારે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની ઉજવણી થશે. વહેલી સવારથી જ લોકો મંદિરોમાં દર્શન કરવા જશે અને વડીલોના આશીર્વાદ લેશે. એકબીજાને 'નૂતન વર્ષાભિનંદન' અને 'સાલ મુબારક' પાઠવીને શુભેચ્છાઓ આપવામાં આવશે.
વેપારીઓ નવા વર્ષે નવા ચોપડાનું પૂજન કરશે અને નવા હિસાબની શરૂઆત કરશે. સોશિયલ મીડિયા પર પણ નવા વર્ષની શુભેચ્છાઓનો ધોધ વહેશે. શહેરના મુખ્ય મંદિરોમાં નૂતન વર્ષ નિમિત્તે વિશેષ શણગાર અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ, આગામી ચાર દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભક્તિ, પ્રકાશ, મિલન અને આનંદનો માહોલ છવાયેલો રહેશે. તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
