<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ધોરાજીના મોટી મારડની સીમમાં ડબલ મર્ડર : પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા :જુઓ વિડીયો

વાડીમાં મજૂરી કરતા મધ્યપ્રદેશના દંપતીને બોથડ હથિયારથી માર મારીને મોતને ઘાટ ઉતારતા પોલીસ અને એલસીબી દ્વારા તપાસ : કારણ અંગે પૂછપરછ : હત્યા કરનારાની શોધખોળ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૧૪ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રમેશભાઈ ભૂતની વાડી પાસે એક પુરુષ અને એક મહિલા એમ બે વ્યક્તિની ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે.

 

પ્રાથમિક તપાસમાં મૃતકો દુર્ગાબેન પરમાર અને રોહીતભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને મધ્યપ્રદેશ ના મૂળ વતની હતા અને પતિ-પત્ની તરીકે વાડીમાં મજૂરી કામ કરતા હતા. તેમના લગ્નને હજુ 2 મહિના જ થયા હતા.

 

વાડી માલિક રમેશભાઈ ભૂતના જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે દુર્ગાબેનના ફોન પરથી "વાડીમાં વીજળી બંધ થઈ ગઈ છે" તેવો ફોન આવ્યો હતો. ત્યારબાદ કોઈ સંપર્ક થયો ન હતો. આજે સવારે વાડીએ પહોંચતા રોહીતભાઈની લાશ ખાટલા પર અને દુર્ગાબેનની લાશ જમીન પર પડેલી મળી આવી હતી. મૃતદેહની સ્થિતિ જોતા બોથડ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે.

 

ઘટનાની જાણ થતાં જ પાટણવાવ પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. 

 

રાજકોટ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડેપ્યુટી SP સિમરન ભારદ્વાજ તેમજ રાજકોટ LCBની ટીમ પણ સ્થળ પર પહોંચીને તપાસમાં જોડાઈ છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે અને હત્યાનું કારણ તેમજ આરોપીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે.

(2:02 PM IST)