<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મોરબીના ટીંબડી ગામના પરિવારનું પાકા મકાનનું સ્‍વપ્‍ન સાકાર

મોરબી તા.૧૪: યોજનાનો લાભ મળ્‍યા બાદ ખુશી વ્‍યક્‍ત કરતા લાભાર્થી અરૂણાબેન અને નયનાબેન જણાવે છે કે, અમે અગાઉ કાચા મકાનમાં મુશ્‍કેલભર્યું જીવન વિતાવતા હતા. ચોમાસામાં પાણી ટપકવાની અને ઉનાળા-શિયાળામાં પડતી મુશ્‍કેલીઓ વચ્‍ચે પાકું મકાન બનાવવું અમારા માટે મુશ્‍કેલ હતું. પરંતુ ડો.આંબેડકર આવાસ યોજના અને ઓનલાઈન પોર્ટલના માધ્‍યમથી અમને પારદર્શક રીતે રૂ. ૧,૭૦,૦૦૦ ની સહાય મળી ગઈ છે. આજે અમારું પોતાનું પાકું અને સુરક્ષિત ઘર બની જતાં અમારા પરિવારને મોટી રાહત મળી છે અને અમારું જીવન સુધરી ગયું છે.

જે વ્‍યક્‍તિઓ ખુલ્લો પ્‍લોટ ધરાવતા હોય કે કાચું, માટીનું મકાન ધરાવતા હોય અને જેઓ રહેઠાણ વિહોણા હોય તેવા મકાન ધારકોને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા જરૂરી ચકાસણી અંતર્ગત આ સહાય ચાર હપ્તામાં કુલ રૂ.૧,૭૦,૦૦૦/- ની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

વિકાસની મુખ્‍ય ધારાથી વંચિત પરિવારોને આત્‍મનિર્ભર અને સન્‍માનભેર જીવન જીવતા કરવાનો સરકારનો સંકલ્‍પ ડો. આંબેડકર આવાસ યોજના દ્વારા સાકાર થઈ રહ્યો છે. છેવાડાના માનવીની ચિંતા કરી તેમને પાકી છત અને સુરક્ષિત ભવિષ્‍ય પૂરું પાડતી આ યોજના મોરબી જિલ્લાના શ્રમિક પરિવારો માટે સુખનું સરનામું બની રહી છે

(11:38 AM IST)