News of Thursday, 28th May 2026
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશેઃ ૩૧ મે થી ૪ જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દાહોદ, થરાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશેઃ મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાંની શક્યતા, ખેડૂતોને સાવચેત રહેવા સાવરકુંડલાનાં વજુભાઈ બારૈયાની સૂચના

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી,તા.૨૮: રાજ્યમાં ફરી એકવાર હવામાન પલટાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ૩૧ મે થી ૪ જૂન ૨૦૨૬ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયાએ આ અંગે આગાહી કરી છે.
વજુભાઈ બારૈયાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ તેમજ પૂર્વ ગુજરાતના દાહોદ અને દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા સહિતના અન્ય વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે ભારે પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થશે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ વરસાદની કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી, પરંતુ ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.
ખેડૂતો માટે સૂચના હાલ ઉનાળુ પાકની કાપણી ચાલી રહી છે. જે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક પડ્યો હોય તેઓએ તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવો. ખુલ્લામાં પડેલા અનાજ કે ઘાસચારાને તાડપત્રીથી ઢાંકી દેવા. બાગાયતી પાકોને પવનથી નુકસાન ન થાય તે માટે ટેકા આપવા.
આ કમોસમી વરસાદ ગરમીથી રાહત આપશે પરંતુ તૈયાર પાકને નુકસાન પહોંચાડી શકે છે. નાગરિકોએ વીજળીના કડાકા સમયે ઝાડ નીચે ઉભા ન રહેવું અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
