News of Saturday, 18th April 2026
કેશોદ પાલિકા ચૂંટણીનો નિરસ માહોલ ત્રિપાંખિયો જંગ છતાં પ્રવર્તમાન ઉનાળાની ગરમી જેવા ‘ગરમાવા' નો અભાવ !
ચૂંટણી પ્રક્રિયાને માત્ર એક અઠવાડિયા જેવો સમય બાકી છે ત્યારે : જોર શોરથી પ્રચાર - પ્રસાર-લોકસંપર્ક અનિવાર્ય : પાંચ વર્ષ પાલિકાની ‘ખુરશી' પર બેસવા માટે ઉનાળાના ભારે તાપ અને ગરમી વચ્ચે ઉમેદવારોએ આગામી પાંચ - સાત દિ' પરસેવો પાડવો પડશૅ

( સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૮: આગામી તારીખ ૨૬ ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનાર છે.જેમાં કેશોદનગરપાલિકા ની ૩૬, કેશોદ તાલુકા પંચાયત ની ૧૮ અને જુનાગઢ જિલ્લા પંચાયતની ૪ બેઠકનો સમાવેશ થાય છે .
પ્રવર્તમાન ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાનમાં હોય, ત્રિપાંખિયો જંગ જામેલ છે.
આ સાથે સ્થાનિક પાલિકા ચૂંટણી ની વાત કરીએ તો ચૂંટણી પ્રચારની સ્થિતિ ‘કંગાળ' જોવા મળેલ છે. સ્થાનિક નગરપાલિકા ના ૯ વોર્ડ મા ૩૫ બેઠક હાંસલ કરવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ ૯૨ ઉમેદવારો ચૂંટણી જંગ ના મેદાનમાં છે અને ચૂંટણીના પડધમ વાજા વાગી ચૂકયા છે આમ છતાં આજ તારીખ ૧૯ ના રોજ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પાલિકા ચૂંટણી પ્રક્રિયા ને માત્ર એક અઠવાડિયા નો સમય બાકી રહેલ છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે ચૂંટણીનો માહોલ તદ્દન નિરસ જણાતા લોકો પ્ર‘ કરી રહ્યા છે કે,શું ખરેખર આગામી રવિવારે ચૂંટણી છે ?!
સ્થાનિક નગરપાલિકામા ૯ વોર્ડમા
કુલ ૩૬ બેઠકનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં પ્રત્યેક વોર્ડ માંથી કુલ ૪ ઉમેદવારો ચૂંટાય છે. અગાઉ ૩૬ બેઠક માટે કુલ ૧૨ વોર્ડ અને દરેક વોર્ડ માથી કુલ ૩ ઉમેદવારો ચૂંટાતા હતા. જે ગત ટર્મ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સીમાંકન માં ફેરફારો થતા વોર્ડ ની સંખ્યાને ૧૨ વોર્ડ માંથી ઘટાડી ૯ વોર્ડ ફેરવતા પ્રત્યેક વોર્ડનો ભૌગોલિક વિસ્તાર મોટો થવા પામેલ છે.
વોર્ડની સંખ્યા ઘટતા ની સાથે જ ભૌગોલિક વિસ્તાર વધી જતા ખાસ કરીને પાલિકાની સ્થાનિક કક્ષા ની ચૂંટણી પ્રચાર અને પ્રસાર માટે ઉમેદવારો તથા કાર્યકરો માટે અગાઉની સરખામણીએ છેલ્લી બે ચૂંટણીથી થોડી દોડ ધામ ની સાથે મહેનત પણ વધી ગયેલ છે. લાંબા લાંબા એરીયાઓ અને વિસ્તારોમાં પહોંચીને ઉમેદવારોએ લોક સંપર્ક કરવો પડે છે. જોકે નવાઈની વાત તો એ છે કે, આમાના કેટલાય ઉમેદવારો એવા છે કે, પોતે જે વોર્ડ માંથી ચૂંટણી લડી રહેલ છે તે વોર્ડ ના કેટલાય એરીયાઓ જોયેલા પણ નહીં હોય !
ઉમેદવારો એરીયાઓથી અપરિચિત અથવા અજાણ હોય આ સ્થિતિ વચ્ચે ઉમેદવારોએ સ્વાભાવિક રીતેજ ફરજિયાત જે તે વિસ્તારના પરિચિત અને જાણકાર કાર્યકરો ની મદદ લેવી અનિવાર્ય બનીજાય છે. ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અર્થાત સમય બહુ ટૂંકો છે અને વિસ્તારો બહુ મોટા છે ત્યારે સ્લીપ વિતરણ, ડોર ટુ ડોર લોક સંપર્ક સાહિતની મતદારોને રિઝવવા અંગેની જરૂરી કામગીરી માટે ઉમેદવારોએ પ્રવર્તમાન ઉનાળાના ભારે તાપ અને ગરમી વચ્ચે પણ જુદા જુદા વિસ્તારોમાં ફરી પાંચ વર્ષ સુધી પાલિકા કચેરીની ઁ ખુરશી ઁ પર બેસવા માટે આગામી પંચ થી સાત દિવસ પરસેવો પાડવો પડશે !
ગત તારીખ ૧૫ થી ચૂંટણી ચિત્ર સ્પષ્ટતા ની સાથે જ ઉમેદવારોએ પોતપોતાના વોર્ડ માં ચૂંટણી કાર્યાલય ખોલી પ્રચારનો આરંભ કરેલ છે પરંતુ ચૂંટણીને લગતો જોઈએ તેવો એક પણ વોર્ડ માં ઉમેદવારો કે રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી માહોલ ઉભો કરી શકેલ નથી. ઉમેદવારોના નામો જાહેર થઈ ગયેલા હોવા છતાં જરૂરી પ્રચારના અભાવે જે તે વિસ્તારના લોકોને પોતાના વોર્ડ માં કોણ અથવા કેટલા ઉમેદવાર છે એ બાબતનો પણ ખ્યાલ નથી.
આ અંગે ભૂતકાળમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉદાહરણો ટાંકી લોકો કહી રહ્યા છે કે , ચૂંટણીને માંડ હવે આઠ દિવસ જેવો સમય બાકી છે ત્યારે પણ અગાઉ ની ચૂંટણી જેવો વર્તમાન ચૂંટણીનો માહોલ જણાતો નથી, આના કરતા તો પેટા ચૂંટણીનો માહોલ સારો હોય. વર્તમાન ચૂંટણીમાં કુલ ૯૨ ઉમેદવાર સહિત ત્રિપાંખીઓ જંગ હોવા છતાં પ્રવર્તમાન ઉનાળાની ગરમી જેવા રાજકીય ‘ગરમાવા ' નો તદ્દન અભાવ જણાઈ રહેલ છે.
આમ ‘સંઘ કાશી એ પહોંચાડવા' માટે તમામ ઉમેદવારો તથા કાર્યકરોએ જોરશોર થી ચૂંટણી પ્રચાર સાથે આ અંગે મહેનત કરવી અનિવાર્ય બનેલ છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
