News of Wednesday, 30th September 2026
જામનગરમાં જૂની સિરીઝના સિલ્વર-ગોલ્ડન નંબર માટે ઈ-ઓક્શન જાહેર : વાહન માલિકો 1લી ઓક્ટોબરથી કરી શકશે અરજી
ટુ વ્હીલર, HGV, HPV અને કન્સ્ટ્રક્શન વાહનો માટે તક, બિડિંગ 3જી થી 5મી ઓક્ટોબર સુધી : પરિણામ 5મીએ જાહેર થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.30 જામનગર જિલ્લાના વાહન માલિકો માટે જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર-ગોલ્ડન નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જિલ્લાના મોટરીંગ પબ્લિકના ટુ વ્હીલર, ટ્રાન્સપોર્ટ (HGV, HPV) તેમજ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ (OTH) પ્રકારના વાહનો માટે આ નંબરો ઉપલબ્ધ રહેશે.
ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો આગામી તા. 01/10/2026 થી 03/10/2026 બપોરે 4:00 કલાક સુધી રાખવામાં આવ્યો છે. ઈ-ઓક્શન બિડિંગનો સમયગાળો તા. 03/10/2026 થી 05/10/2026 બપોરે 4:00 કલાક સુધી રહેશે અને ઈ-ઓક્શનનું પરિણામ તા. 05/10/2026 ના રોજ બપોરે 4:00 કલાકે જાહેર કરવામાં આવશે.
ઈ-ઓક્શનમાં ભાગ લેનાર વાહન માલિકોએ સૌ પ્રથમ http://WWW.PARIVAHAN.GOV.IN વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે. ત્યારબાદ વેબસાઈટ પર લોગીન કરી વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરી ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે.
ઈ-ઓક્શનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-5માં કરવાનું રહેશે, જેમાં નિષ્ફળ જવાથી પસંદગીના નંબરની ફીનું રિફંડ મળશે નહીં. ઓક્શનમાં ભાગ લેનાર વાહન માલિકના તમામ દસ્તાવેજો ડીલર કક્ષાએ ખરાઈ કરી અપલોડ કરેલા હોવા જોઈએ તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
