તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Saturday, 7th November 2026
પૂર્વ કચ્છ પોલીસ વડાએ સરહદના સંત્રીઓ સાથે કરી દિવાળીની ઉજવણી
બેલા BSFની 21મી બટાલિયનમાં જવાનોને મીઠાઈ આપી પાઠવી શુભેચ્છાઓ; સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ સાથે તહેવારની ઉજવણી કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ : દેશવાસીઓ દિવાળીના પર્વની ઉજવણીમાં મશગૂલ હોય ત્યારે દેશની સરહદોની સુરક્ષા માટે જવાનો પરિવારથી દૂર રહી પોતાની ફરજ નિભાવી રહ્યા હોય છે. આવા જવાનોને તહેવારના સમયે એકલતાનો અહેસાસ ન થાય અને તેમની સાથે ખુશીઓ વહેંચી શકાય તેવા ઉમદા હેતુથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી માનવતાભર્યો સંદેશ આપ્યો હતો.
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દર વર્ષે રાપર તાલુકાના સરહદી વિસ્તારો બેલા, મૌઆણા, કુડા, લોદ્રાણી, ધોરાવીરા સહિતના વિસ્તારોમાં ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાનો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરે છે. આ પરંપરાને અનુસરી વહેલી સવારે બેલા સ્થિત BSFની 21મી બટાલિયન ખાતે તેઓ સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, બાલાસર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. પરમાર તથા BSFના ઇન્સ્પેક્ટર રાધે ક્રિષ્ના અને ASI બંધનસિંહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ BSFના જવાનોને મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે, આપણા જવાનો દેશના સાચા વીર છે. તહેવારોના દિવસોમાં પણ તેઓ પરિવારથી દૂર રહી દેશની સુરક્ષા માટે ફરજ બજાવે છે. આવા સમયે તેમને એકલતાનો અહેસાસ ન થાય અને પોલીસ પરિવાર તેમની સાથે છે તેવી લાગણી અનુભવાય તેવા હેતુથી આ ઉજવણી કરવામાં આવી છે. જવાનો સાથે તહેવારની ખુશીઓ વહેંચવાનું સૌભાગ્ય મળ્યું તે આનંદની વાત છે.
આ ઉપરાંત બાલાસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને પણ મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે જિલ્લા પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. કાર્યક્રમમાં પીઆઈ એમ.જી. પરમાર, જેઠાભાઈ મુસીર, સુમતિભાઈ પરમાર, નરેશભાઈ ઠાકોર, ભાણજીભાઈ પ્રજાપતિ, કિરણભાઈ તરાલ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાએ સરહદના સંત્રીઓથી માંડી સ્થાનિક પોલીસ કર્મચારીઓ સુધી સૌની સાથે દિવાળીની ખુશીઓ વહેંચી તહેવારની સાચી ભાવના અને પોલીસ-જવાન વચ્ચેના આત્મીય સંબંધનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
