News of Saturday, 14th November 2026
મોરબી જીલ્લાની ૩૪૯ ગ્રામ પંચાયત ચુંટણીના પડઘમ
મોરબીની ૯૬, હળવદની ૭૨, માળિયાની ૪૬, ટંકારાની ૪૪ અને વાંકાનેરની ૯૧ બેઠકોની ચુંટણી

(પ્રવિણ વ્યાસ-જયેશ ભટ્ટાસણા દ્વારા) મોરબી-ટંકારા, તા.૧૪:મોરબી જીલ્લાની ૩૪૯ ગ્રામ પંચાયત ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે જીલ્લા કલેકટર અને રાજ્ય ચુંટણી આયોગના અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા આજે મોરબી જીલ્લાના પાંચ તાલુકાની ૩૪૯ ગ્રામ પંચાયત બેઠકોમાં સરપંચ બેઠક માટે અનામત બેઠકોના પ્રકાર જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સરપંચ બેઠકો અનુસુચિત જાતિઓ, અનુસુચિત આદિજાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે તેમજ અનામતસ્ત્રીઓ અને બિન અનામત સામાન્યસ્ત્રીઓની બેઠકો વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત હોદાની સંખ્યા ૧૦ તકને બદલે ૨૭ ટકા સુધીની જોગવાઈ કરવામાં આવેલ જે સુધારા અન્વયે ૨૭ ટકા સુધી અનામત રાખવા માર્ગદર્શન થઇ ગયેલ છે.
મોરબી તાલુકાની ૯૬ બેઠકો પૈકી અનુ. જાતી માટે ૦૯ બેઠકો અનામત રાખવામાં આવી છે જે પૈકી ૦૫ બેઠકો અનુ. જાતી મહિલાઓ માટે અનામત છે તેમજ અનુ. આદિજાતી માટે ૦૧ બેઠક અનામત છે જે મહિલા અનામત માટે પણ લાગુ રહેશે તે ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૨૬ બેઠકો અનામત છે જે પૈકી ૧૩ બેઠો મહિલા અનમત રહેશે.
ટંકારા તાલુકાના ૪૪ ગામોના સરપંચોના રોટેશન જાહેર
ટંકારા તાલુકાના કુલ ૪૪ ગામડાના સરપંચ પદ માટેના રોટેશન જાહેર થઈ ગયા છે. કયું ગામ કઈ કેટેગરીમાં આવ્યું તે સ્પષ્ટ થતા જ રાજકીય સમીકરણો બદલાયા છે. વર્ષના અંતે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે. તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઈ હોવાની ચર્ચા છે.
ગામે ગામ સરપંચ બનવા માટે ભારે તોડજોડ શરૂ થઈ છે. દાવેદારો મતદારો, સમાજના આગેવાનો અને વડીલોને મળવામાં વ્યસ્ત થયા છે. રોટેશનને કારણે અનેક ગામોમાં નવા ચહેરાઓ, મહિલાઓ અને યુવાનોને તક મળે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ ચૂંટણી ન યોજી સમરસ કરવા માટે આગેવાનોએ કવાયત હાથ ધરી છે. ખર્ચ અને વેરઝેર ટાળી સર્વાનુમતે સરપંચ નક્કી કરવા ઓટલા બેઠકો યોજાઈ રહી છે. હાલ ગામડાઓમાં ચોરે ને ચોકે, ચાની કિટલીએ અને ઓટલા બેઠકોમાં એક જ વાત ચાલી રહી છે ‘કોણ છે આ વખતે મેદાનમાં ?'
આગામી દિવસોમાં ટંકારા તાલુકામાં સમરસ થશે કે ચૂંટણીનો જંગ જામશે, તેના પર સૌની નજર છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
