<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગોખરવાળાની ફુડ પોઇઝનીંગની ઘટનામાં સાચું કારણ શોધવા કવાયત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: ચુડા તાલુકાના ગોખરવાડા ગામે આવેલી કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સામૂહિક ફૂડ પોઈઝનીંગની અસર જોવા મળી છે આ વિદ્યાલયમાં કુલ ૨૧૫ જેટલી દીકરીઓ અભ્‍યાસ કરી રહી છે ત્‍યારે રાત્રિનું ભોજન સવારમાં લીધા બાદ અભ્‍યાસ કરતી બાળકીઓની તબિયત લથડવા પામી.

પ્રાથમિક તબક્કામાં ચુડા આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડવામાં આવ્‍યા બાદ સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા અને લીંબડી સરકારી હોસ્‍પિટલમાં પણ બાળકીને સારવાર માટે રાખવામાં આવી હતી.

ટ્રસ્‍ટીની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે બાળકીઓની સાથે રહેલા તેમના માતા-પિતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્‍યા હતા કે આ પ્રકારની ઘટના બનીને માતા-પિતાને પણ જાણ નથી કરવામાં આવી અને બાળકીઓને સારવાર માટે ખસેડવામાં પણ ન આવી ત્‍યારબાદ ટેલીફોનિક રીતે બાળકીઓ દ્વારા માતા-પિતાનો સંપર્ક કરી અને તબિયત લથડી હોવાનું જણાવ્‍યું હતું ત્‍યાર પછી માતા પિતા ત્‍યાં દોડી ગયા હતા અને તમામ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

જોકે આ બાબતની જાણ આરોગ્‍ય વિભાગને થતા સુરેન્‍દ્રનગર આરોગ્‍ય અધિકારી સહિતની ટીમો ત્‍યાં દોડી ગઈ હતી અને તમામ લોકોને સારવાર મળી રહે તે માટેના પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યા હતા બાળકીઓએ રાત્રિ દરમિયાન ખીર બટાકા નું શાક પુરી જેવી વસ્‍તુ ખાધી હતી તે જ વસ્‍તુ સવારમાં પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે.

હાલમાં ૧૪૭ જેટલી બાળાઓની તબિયત સ્‍થિર હોવાનું આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે પરંતુ આ મુદ્દે તંત્રની ટીમો દ્વારા વધુ તપાસ શરૂ કરી ઘણા ટ્રસ્‍ટીગણ સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

૧૪૭ જેટલી બાળકીઓને ઝાડા ઉલટી પેટમાં દુખાવો જેવી ઘટના બનવા પામી છે ત્‍યારે રાત્રિ દરમિયાન ખીર ખાધી હોવાના કારણે તેજ વાસી ખોરાક બીજા દિવસે પણ સવારમાં આપવામાં આવ્‍યો હતો ત્‍યારે આ મુદ્દે વિવિધ પ્રકારના સેમ્‍પલો લેવામાં આવ્‍યા છે અને ટેસ્‍ટીંગ માટે મોકલી આપવામાં આવ્‍યા છે ટેસ્‍ટીંગ બાદ સમગ્ર મામલો સામે આવશે અને તેમાં અસર થઈ તે પણ સાચું કારણ સામે આવશે.

(1:19 PM IST)