News of Thursday, 1st October 2026
જુનાગઢમાં કૂતરાને તગડવા જતાં વૃધ્ધ નરસીભાઇનું દાદરા પરથી પટકાતાં મૃત્યુ
નિવૃત એસટી કંડકટરે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧: જુનાગમાં રહેતાં એક વૃધ્ધ અગાસીએથી નીચે ઉતરતાં હતાં ત્યારે દાદરા પર કૂતરૂ આવી ગયું હોઇ તેને તગડવા જતાં બેલેન્સ ગુમાવતાં દાદરેથી પટકાઇને બહાર શેરીમાં પડતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ જુનાગઢમાં મધુરમ્ વિસ્તાર કામનાથનગરમાં રહેતાં નરસીભાઇ બેચરભાઇ ખોરશીયા (ઉ.વ.૬૯) ૨૯મીએ સાંજે પાંચેક વાગ્યે ઘરે દાદરેથી લપસી જતાં બહાર શેરીમાં પટકાતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને કરી હતી.
મૃતયુ પામનાર નરસીભાઇ બે બહેન અને સાત ભાઇમાં વચેટ હતાં અને નિવૃત એસટી કંડકટર હતાં. સંતાનમાં એક દિકરો છે. મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
