News of Wednesday, 16th September 2026
જેતપુર પાસે ધોરાજીના વૃધ્ધ ચોકીદારને બંધક બનાવી છરીથી હુમલો, ૪ હજારની લૂંટ
પેઢલા નજીક હાઇવે પર મધુર બંગ્લોઝમાં નોકરીના સમયે છરી, કુહાડી અને ધારીયા સાથે ચાર લુંટારૂઓ ધસી આવી લૂંટ ચલાવીઃ જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં ગુનો

રાજકોટ તા.૧૬: ધોરાજીની ભુખી ચોકડી પાસે આંબેડકરનગરમાં રહેતા અને પેઢલા નજીક હાઇવે પર મધુર બંગ્લોઝમાં પગી તરીકે નોકરી કરતા માધાભાઇ નાથાભાઇ બગડા (ઉ.વ.૭૭)ને છરી, કુહાડી અને ધારીયા જેવા હથીયારો સાથે ઘસી આવેલા ચાર અજાણ્યા લૂંટારૂઓએ મુંગો દઇ રૂમમાં લઇ જઇ બંધક બનાવી હુમલો કરી રોકડ અને ફોન મળી કુલ રૂા.૪ હજારની લૂંટ કર્યાની જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
માધાભાઇએ ફરીયાદમાં જણાવ્યુ કે, તે એકાદ માસથી મધુર બંગ્લોઝમાં પગી તરીકે નોકરી ત્યાં એકલા રહે છે. આ સ્થળે કન્ટ્રકશનનું કામ ચાલુ છે. દિવસે ત્યાં શ્રમિકો કામ કરે છે. જયારે રાત્રે તે એકલા હોય છે. ગઇ તા.૧૪ના સવારથી તે પગી તરીકે નોકર પર હતા. રાતના બારેક વાગ્યે જમીને તેણે બંગલોમાં આંટો માર્યો હતો. વરસાદ ચાલુ હોવાથી ત્યાં પાર્કિંગમાં રાખેલા ખાટલા ઉપર બેસી ગયા હતા. મોડીરાત્રે બે-અઢી વાગ્યાની આસપાસ બંગલોમાં ચારેક અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા. જેની ઉમર ૨૫-૩૦ વર્ષની હતી. તેમાંથી બે શખ્સોએ તેને ‘‘કાંઇ બોલતો નહી' કહી મુંગો આપી ચારેય ઉપાડી અંદર સામેના રૂમમાં લઇ ગયા બાદ ‘ આ બંગલાની ચાવી આપો અને માલ કયાં રાખેલો છે તે કહો'' તેમ કહેતા તેને ‘‘બંગલામાં કોઇ રહેતુ નથી'' તેમ જવાબ આપ્યો હતો. આ સાથે જ ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ ત્યાં પડેલી ખાટલાની પાટીથી તેના હાથ-પગ બાંધી દીધા હતા. છતા તે બંગલામાં કોઇ રહેતુ નથી. કોઇ ચીજવસ્તુ નથી'' તેમ બોલતા હોવાથી ચારેયમાંથી એક શખ્સે તેને માથાના ભાગે છરીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતા લોહી નિકળવા લાગ્યુ હતું. બાદમાં તેના ખીસ્સામાંથી રૂા.૩૫૦૦ની રોકડ અને રૂા.૫૦૦ના ફોન કાઢી લૂંટ કરી બંગલામાં ચોરી કરવા ગયા બાદ ત્યાંથી બારોબાર જતા રહયા હતા. આ લૂંટારૂઓ ગુજરાતી બોલતા હતા જયારે એક હિન્દીમાં બોલતો હતો. ચારેયમાંથી એક પાસે કુહાડી, બીજા પાસે ધારીયુ અને ત્રીજા પાસે છરી હતી. મોડીરાત્રે તે પાટી છોડાવી રોડ ઉપર ગયા હતા. પરંતુ રાતનો સમય હોવાથી કોઇ મદદ નહી મળતા તે પરત આવી ગયા હતા. વહેલી સવારે એક રાહદારી પાસેથી ફોન લઇ તેના પુત્ર સહિતને બનાવની જાણ કર્યા બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
