તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Sunday, 26th April 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણી બહિષ્કાર: વિકાસના કામો ન થતા એક પણ મત ન પડ્યો
જર્જરિત માર્ગો અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ; સમગ્ર ગામે કર્યો સામૂહિક બહિષ્કાર; કલેક્ટર, SP અને DDOનો કાફલો ગામે પહોંચ્યો; થોડા દિવસ પહેલા જ કલેક્ટર કચેરીએ આપી હતી ચીમકી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026નો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિકાસના કામો ન થતા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગામના તમામ બૂથ પર સવારથી એક પણ મત ના પડતા તંત્ર દોડતું થયું હતું. ગામને જોડતા તમામ માર્ગો લાંબા સમયથી જર્જરિત હોવાથી લોકોમાં વ્યાપક આક્રોશ છે. રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે સમગ્ર ગામ દ્વારા મતદાનનો સામૂહિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો.
થોડા દિવસ પહેલા જ ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી અને પ્રશ્નનો હલ નહીં થાય તો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે મતદાનના દિવસે ગ્રામજનોએ પોતાની ચીમકીને અમલમાં મૂકીને એક પણ વોટ ન કરી વિરોધ નોંધાવ્યો છે.
ગામમાં એક પણ વોટિંગ ન થતા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને DDO સહિતનો કાફલો મેઘપર ટીટોડી ગામે દોડી ગયો હતો. અધિકારીઓએ ગ્રામજનો સાથે ચર્ચા કરી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગ્રામજનો વિકાસના કામોની લેખિત ખાતરી મળ્યા વિના મતદાન કરવા તૈયાર નથી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી માત્ર વાયદાઓ થાય છે, પરંતુ ગામના રસ્તાઓની હાલત અત્યંત દયનીય છે. ચોમાસામાં તો ગામ સંપર્ક વિહોણું બની જાય છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
