News of Thursday, 5th November 2026
ઘરથી દૂર રહેતા કર્મચારીઓને ઘર જેવો અહેસાસ: કચ્છના મુન્દ્રામાં અદાણી ગ્રૂપની અત્યાધુનિક ઓપરેટર કોલોની તૈયાર
હાલમાં 2,000 કર્મચારીઓ માટે સેન્ટ્રલી AC રહેઠાણની સુવિધા : આગામી બે મહિનામાં ક્ષમતા વધારી 6,000થી વધુ કર્મચારીઓના નિવાસનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : કર્મચારીઓની સુખાકારી, સુરક્ષા અને જીવનધોરણને પ્રાથમિકતા આપવાના અભિગમ સાથે અદાણી ગ્રૂપ દ્વારા મુન્દ્રા ખાતે વૈશ્વિક ધોરણોને અનુરૂપ અત્યાધુનિક ઓપરેટર કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણીના કર્મચારી કલ્યાણલક્ષી વિઝનને સાકાર કરતી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઘર અને પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા કર્મચારીઓને સુરક્ષિત, સુવિધાસભર અને ઘર જેવું વાતાવરણ પૂરું પાડવાનો છે.
કોઈપણ સંસ્થાની સફળતાનો પાયો તેના કર્મચારીઓ હોય છે. આ જ વિચારને સાકાર કરતી નવી ઓપરેટર કોલોનીમાં હાલમાં આશરે 2,000 કર્મચારીઓ માટે આધુનિક સેન્ટ્રલી એરકન્ડિશન્ડ રહેઠાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી એકથી બે મહિનામાં આ ક્ષમતાનો વિસ્તાર કરીને 6,000થી વધુ કર્મચારીઓના નિવાસની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. કર્મચારીઓને આધુનિક અને આરામદાયક જીવનશૈલી મળી રહે તે માટે કોલોનીમાં સેન્ટ્રલ એરકન્ડિશનિંગ, ડિજિટલ ડોર એક્સેસ અને નિઃશુલ્ક વાઈ-ફાઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા, ફાયર એલાર્મ સિસ્ટમ અને સુવ્યવસ્થિત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી કર્મચારીઓ સુરક્ષિત વાતાવરણમાં રહી શકે.
કર્મચારીઓના આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને આધુનિક કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં ન્યુટ્રિશનિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા મેનુ મુજબ દરરોજ ચાર સમયનું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હાઈજિનની સુવ્યવસ્થિત સુવિધાઓ ઉપરાંત વૈશ્વિક ધોરણોને અનુરૂપ સેન્ટ્રલ વોશિંગ એરિયાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
આરોગ્યલક્ષી સુવિધાઓના ભાગરૂપે કોલોનીમાં મેડિકલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં પૂર્ણ સમય માટે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ રહે છે. પરિણામે કર્મચારીઓને જરૂરી તબીબી સહાય અને પ્રાથમિક સારવારની સુવિધા રહેઠાણના પરિસરમાં જ મળી રહે છે.
માત્ર રહેઠાણ અને આરોગ્ય જ નહીં, પરંતુ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને મનોરંજનનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. કામકાજના કલાકો બાદ કર્મચારીઓ આરામ કરી શકે અને શારીરિક તંદુરસ્તી જાળવી શકે તે માટે ખુલ્લી અને હવાઉજાસવાળી જગ્યાઓ, વિશાળ રમતગમતનું મેદાન તથા વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આસપાસની તબીબી સુવિધાઓ પણ કર્મચારીઓની સુખાકારીમાં વધારો કરે છે.
અદાણી ગ્રૂપની આ પહેલ કર્મચારીઓને માત્ર કામદારો તરીકે નહીં, પરંતુ સંસ્થાની પ્રગતિના મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોવાના અભિગમને ઉજાગર કરે છે. કર્મચારીઓની કાર્યક્ષમતા સાથે તેમના આરોગ્ય, સુરક્ષા, રહેઠાણ અને જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તે દિશામાં આ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મુન્દ્રાની આ નવી ઓપરેટર કોલોની માત્ર રહેવા માટેની વ્યવસ્થા નથી, પરંતુ ઘરથી દૂર રહીને ફરજ બજાવતા કર્મચારીઓ માટે ઘર જેવો અહેસાસ કરાવતું સુખદ અને સુરક્ષિત વાતાવરણ છે. અદાણી ગ્રૂપનો ‘પીપલ ફર્સ્ટ’ અભિગમ કર્મચારી કલ્યાણને સંસ્થાની પ્રગતિનો પાયો માનવાની વિચારધારાને વધુ મજબૂત બનાવે છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
