News of Thursday, 30th July 2026
એઆઈના જમાનામાં ચારિત્ર્યનિર્માણ તો ગુરુજનોએ જ કરવું પડશેઃ પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયોઃ પાંચ વિશેષ મહાનુભાવો-ગુજરાતના તમામ જીલ્લાના ૩૫ શિક્ષકોનું સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન : મારા સરસ્વતી સેવાના બે પાસા એક સર્જન અને બીજું શિક્ષણઃ જયારે સન્માન થાય ત્યારે આનંદ થાય જ છે પણ એ આનંદ પાછળનો ભાવ એવો રહ્યો હોય છે કે માતા સરસ્વતી એ મારી પૂજા કબુલ કરીઃ પદ્મશ્રી ડો.રતિલાલ બોરીસાગર : રાજ્ય કક્ષાના ઉચ્ચ તથા ટેકનીકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા અનિવાર્ય સંજોગોવશાત્ ઉપસ્થિત રહી શક્યા ના હોવાથી તેઓએ વિડીયો સંદેશના માધ્યમથી આ કાર્યક્રમને આનંદ અને ગૌરવની ક્ષણ ગણાવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦: સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા તેમજ રાષ્ટ્રીય સંત પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ ૨૦૧૦ થી ગુરુપૂર્ણિમાના અવસરે શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિક્ષણમાં નવાચારથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ગુરુપૂર્ણિમાના પૂર્વ દિવસે બે વિશિષ્ટ સન્માન સાથે સાથે કુલ પાંચ શિક્ષણવિદ્દ મહાનુભાવોનું તથા ગુજરાતના તમામ જીલ્લામાંથી એક શિક્ષક એમ ૩૫ શિક્ષકોનું સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું.
એવોર્ડ ભાવપૂજન સ્વીકારીને પાંચ મહાનુભાવોએ પોતાનો પ્રતિભાવ રજુ કરતા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને સાંદીપનિ સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ધન્યવાદ માન્યો હતો અને આ ભાવપૂજનને સૌએ વિશેષ ગણાવીને અંતરથી ધન્યતા અનુભવી હતી. વિશેષતઃ લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડી ડો.રતિલાલ બોરીસાગરે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે મારા સરસ્વતી સેવાના બે પાસા છે એક સર્જન અને બીજું શિક્ષણ. મેં હંમેશા એવી રીતે સેવા કરી છે કે હું જે લખુ છું ત્યારે એક જ મનમાં ભાવ હોય છે કે હું માતા સરસ્વતીની પૂજા કરું છું. અને એમાંથી જે પ્રસાદ પ્રાપ્ત થાય છે એ પ્રસાદ બધાને વહેચવાનો એનો પણ એક આનંદ હોય છે. અને જયારે એ પ્રસાદની સ્વીકૃતિ થાય એટલે આવી રીતે જયારે એનું સન્માન થાય ત્યારે આનંદ થાય જ છે પણ એ આનંદ પાછળનો ભાવ એવો રહ્યો હોય છે કે માતા સરસ્વતી એ મારી પૂજા કબુલ કરી. મારા જીવનની શિક્ષણયાત્રામાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કે પાઠ્યપુસ્તકમંડળમાં કાર્ય કરતી વખતે હમેશાં વિદ્યાર્થીને જ કેન્દ્રમાં રાખ્યો છે.
આ સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ તથા ટેકનીકલ શિક્ષણવિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા અનિવાર્ય સંજોગોવશાત્ ઉપસ્થિત રહી શક્યા ના હોવાથી તેઓએ વિડીયો સંદેશના માધ્યમથી આ કાર્યક્રમને આનંદ અને ગૌરવની ક્ષણ ગણાવીને સૌ સન્માનિત મહાનુભાવોને તથા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેઓને આ કાર્યક્રમ માટે નિમંત્રણ મેળવ્યા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે આપણે છેલ્લા કેટલા વર્ષોથી ત્રણ મહાનુભાવોનું સન્માન કરીએ છીએ અને થોડા વર્ષોથી સંસ્કૃતભાષાના વિદ્વાનનું પણ સન્માન કરીએ છીએ. વધુમાં જણાવ્યું કે બાળકોને શીખડાવવું એક વસ્તુ છે પણ શીખવું એ મહત્ત્વની વાત છે. બાળકોને જાતે શીખતા કરીએ કારણકે અત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો જમાનો છે. ત્યારે બાળક પોતે જ ઘણું શીખી લે છે ત્યારે આપણે એને શું શીખવીશું? પણ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો કેવી રીતે ઉપયોગ કરવો એ કામ તો શિક્ષકોનુ જ છે. એ શીખવવાનું કામ તો ગુરુજનોનું જ છે.
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના કારણે બધી જ માહિતી સુલભ બની છે પણ જો શિક્ષક કે ગુરુ નહિ હોય તો ચરિત્ર નિર્માણ કેવી રીતે થશે ? અને એટલા માટે જ ગુરુજનોની જરૂર હમેશા રહેવાની. આથી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના જમાનમાં એને શીખડાવવું નહી પડે એ શીખશે પણ શું શીખવવું એ વિદ્યાર્થીને સમજાવવું પડશે. શીખેલાનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવવું પડશે અને ચારિત્ર્યનિર્માણ તો ગુરુજનોએ જ કરવું પડશે.
પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વધુમાં જણાવ્યું કે હવે ભવિષ્યમાં જો કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો એનું સ્વરૂપ જુદું હશે. ચુંટણી અને આંદોલનો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જુદી રીતે થતા થયા છે. નવી નવી વિધાઓ આવી છે એના માટેની સુવિધાઓ પણ આવી છે પણ દુવિધા એ છે કે લક્ષ્ય શું છે? એ લક્ષ્ય આપવાનું કામ ગુરુજનોનું છે. ગતિ તો છે પણ એને દિશા આપવાનું કામ ગુરુજનોનું છે. પદ્મશ્રીરતિલાલ બોરીસાગરના જીવનની એક ઘટનાને જણાવીને કહ્યું કે ગુરુના અંતરમાંથી શિષ્ય માટે અણીશુદ્ધ હિત માટે પ્રગટેલો આદેશ હમેશા અવિચાંરણીય હોય છે. જયારે ગુરુમાંથી ગુરુત્વ બોલે, પિતામાંથી પિતૃત્વ બોલે, માતામાંથી માતૃત્વ બોલે ત્યારે એ આદેશ એ આજ્ઞા હંમેશા અવિચારણીય હોય છે એનું વગર વિચારે પાલન કરવું જોઈએ. કારણ કે એ આપણા માટે કલ્યાણ કરનારી હોય છે. જયારે માત્ર ને માત્ર પોતાના વિદ્યાર્થીને માટે કલ્યાણની વાત હોય ત્યારે સામેવાળો એ આજ્ઞાનો સ્વીકાર કરે જ છે.
કાર્યક્રમના અંતે એવોર્ડ ચયન સમિતિના સભ્ય અરજણભાઈ કાનગડ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. આ અવસરે ગુરુ ગૌરવ અવાર્ડ ચયન સમિતિના સભ્યો શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, અતુલભાઈ પંડ્યા, પાર્થેશભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ , દેવભૂમિ દ્વારકાના જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, સાંદીપનિ વિદ્યાનિકેતન પરિવારના સૌ ટ્રસ્ટીઓ અને ગુરુપૂર્ણિમાના અવસરે આવેલા સૌ મહેમાનો ઉપસ્થિત હતા.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
