<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ભાવનગરમાં આવાસ યોજનાના ફ્લેટ ફાળવ્યા બાદ તમામ રકમ ચૂકવી દીધી છતાં છ -છ વર્ષથી કબ્જો નહીં મળતા ભારે આક્રોશ

એક તરફ લોનના હપ્તા અને વ્યાજ ભરવું પડે છે: ભાડાના મકાનમાં રહેવાનો ખર્ચ પણ સહન કરવો પડે છે:લાંબા વિલંબના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીમાં

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના ઘરનું સ્વપ્ન જોનારા હજારો લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2019માં ફ્લેટોની ફાળવણી થયા બાદ સંપૂર્ણ રકમ ભરવા છતાં આજે છ વર્ષ બાદ પણ કબજો ન મળતા લાભાર્થીઓએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી વહેલી તકે આવાસો સુપ્રત કરવાની માંગ કરી છે.

 

રૂવા વિસ્તારમાં આવેલા PM આવાસ યોજના 2489 EWS-1 પ્રોજેક્ટના લાભાર્થીઓનું કહેવું છે કે વર્ષ 2019માં ડ્રો દ્વારા ફ્લેટ ફાળવાયા હતા અને ત્યારબાદ તંત્રની સૂચના મુજબ તમામ રકમ જમા કરાવી દેવામાં આવી હતી. અનેક લોકોએ લોન લઈને અને વ્યાજે નાણાં મેળવી ચુકવણી કરી હતી, છતાં આજે પણ તેમને પોતાના ફ્લેટનો કબજો મળ્યો નથી. લાભાર્થીઓનું કહેવું છે કે એક તરફ લોનના હપ્તા અને વ્યાજ ભરવું પડે છે તો બીજી તરફ ભાડાના મકાનમાં રહેવાનો ખર્ચ પણ સહન કરવો પડે છે. લાંબા વિલંબના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લાભાર્થીઓએ તંત્ર પાસે કબજાની ચોક્કસ તારીખ જાહેર કરવાની માંગ કરી છે.

 

આ તરફ મહાનગરપાલિકા તંત્રનું કહેવું છે કે જમીનનો કબજો મેળવવામાં વિલંબ, કોરોના મહામારી અને અન્ય પરિસ્થિતિઓને કારણે પ્રોજેક્ટ મોડો પડ્યો હતો. હાલ પ્રોજેક્ટનું અંદાજે 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે લાભાર્થીઓએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ફ્લેટોનો કબજો નહીં અપાય તો તેઓ આંદોલન અને કાનૂની કાર્યવાહી કરશે.

 

(2:17 PM IST)