<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

એક જ મતદાર હોવા છતાં બને છે પોલિંગ સ્ટેશન : ગીરના ગાઢ જંગલમાં ધબકે છે લોકતંત્રની મજબૂત ભાવનાનું પ્રતિક

ગીરના જંગલમાં આવેલું આ મતદાન મથક બતાવે છે કે ભારતનું લોકતંત્ર માત્ર આંકડાઓ પર નહીં, પરંતુ દરેક નાગરિકના અધિકાર પર આધારિત છે

ભારતમાં ચૂંટણી એટલે લાંબી લાઇનો, હજારો મતદારોની ભીડ અને મતદાન કેન્દ્રો પર ભારે ચહલપહલ. પરંતુ શું જાણો છો કે દેશમાં એક એવું પણ મતદાન મથક છે, જ્યાં માત્ર એક જ મતદાર માટે આખી ચૂંટણી પ્રક્રિયા ગોઠવવામાં આવે છે? આશ્ચર્યની વાત એ છે કે અહીં દર વખતે 100 ટકા મતદાન નોંધાય છે. આ અનોખું પોલિંગ સ્ટેશન ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ગાઢ જંગલ વિસ્તારમાં આવેલું છે. અહીં માત્ર એક જ મતદાર રહે છે, તેમ છતાં ભારતનો ચૂંટણી પંચ લોકશાહીની ભાવનાને જીવંત રાખવા માટે દરેક ચૂંટણીમાં અહીં સંપૂર્ણ મતદાન મથક ઊભું કરે છે.

 

એક જ મતદાર હોવા છતાં ચૂંટણી પંચ કોઈ સમાધાન કરતું નથી. મતદાનના દિવસે અધિકારીઓ, પોલિંગ સ્ટાફ અને સુરક્ષા દળો તમામ જરૂરી સામગ્રી સાથે જંગલનો લાંબો પ્રવાસ કરીને અહીં પહોંચે છે. મતદાન માટે ટેન્ટ ઉભો કરવામાં આવે છે, EVM અને VVPAT મશીન ગોઠવવામાં આવે છે, સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે અને નિયમ મુજબ આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. આ બધું માત્ર એક જ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કરવામાં આવે છે.

 

આ મતદાન મથક માત્ર એક સ્થળ નથી, પરંતુ ભારતના લોકતંત્રની મજબૂત ભાવનાનું પ્રતિક છે. અહીં એક વ્યક્તિનો મત પણ એટલો જ કિંમતી માનવામાં આવે છે જેટલો લાખો મતદારોનો. તેથી જ ચૂંટણી પંચ કોઈપણ મતદારને તેના અધિકારથી વંચિત રાખતું નથી. દરેક ચૂંટણીમાં આ એકમાત્ર મતદાર મતદાન કરવા આવે છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. પરિણામે અહીં દર વખત 100 ટકા મતદાન નોંધાય છે.

 

ગીરના જંગલમાં આવેલું આ મતદાન મથક બતાવે છે કે ભારતનું લોકતંત્ર માત્ર આંકડાઓ પર નહીં, પરંતુ દરેક નાગરિકના અધિકાર પર આધારિત છે. એક મતદાર માટે પણ સમગ્ર ચૂંટણી તંત્ર કાર્યરત થાય છે, જે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની નિષ્પક્ષતા અને પ્રતિબદ્ધતાનો અનોખો દાખલો છે. લોકશાહીમાં દરેક મતનું સમાન મૂલ્ય હોય છે અને ગીર સોમનાથનું આ અનોખું પોલિંગ સ્ટેશન એ વાતને સાચા અર્થમાં સાબિત કરે છે 

(12:42 PM IST)