News of Saturday, 16th May 2026
જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં લોકપ્રશ્નોની વ્યાપક ચર્ચા : સ્ટેટ હાઈવે પર સોલાર લાઈટો લગાવવા, જમીન ધોવાણ સહાય ચૂકવવા અને ચેકડેમોના નિર્માણ માટે કલેક્ટર પી.બી.પંડ્યાની અધિકારીઓને તાકીદ
ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા વિકાસલક્ષી પ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ લાવવા આદેશ : નવી આંગણવાડીઓ, શાળાના મકાનો, સ્માર્ટ ક્લાસ અને પશુ દવાખાના સ્થાપવા અંગે વહીવટી તંત્રની વિસ્તૃત સમીક્ષા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના વિકાસલક્ષી કામો અંગે જનપ્રતિનિધિઓ સાથે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને વિવિધ વહીવટી રજૂઆતોને કલેક્ટર પી.બી.પંડ્યાએ અત્યંત ગંભીરતાથી ધ્યાને લીધી હતી. તેમણે સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને આયોજનબદ્ધ અને ગતિશીલ કામગીરી હાથ ધરીને જનહિતના આ તમામ પ્રશ્નોનો સત્વરે અને સકારાત્મક નિકાલ કરવા માટે કડક સૂચના આપી હતી.
ખેડૂતોની સુખાકારી, જમીન ધોવાણ સહાય અને સિંચાઈ યોજનાઓ પર વ્યાપક પરામર્શ:
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત નાગરિકોની રોજબરોજની સુખાકારીને સ્પર્શતા વિવિધ વિભાગોના તદ્દન નવા પ્રશ્નો પર પણ વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે સ્ટેટ હાઈવે પર અકસ્માતો નિવારવા સોલાર લાઈટો મૂકવા અને રેડિયમ માર્કિંગ કરવા, સોલાર પ્રોજેક્ટ માટે નવું ટી.સી. આપવા તેમજ અતિવૃષ્ટિ કે પૂરના કારણે જમીન ધોવાણનો ભોગ બનેલા ખેડૂતોને નિયમ મુજબ તાત્કાલિક સહાય ચૂકવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સાથે જ પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પીવાના પાણીની નવી ટાંકીઓ બનાવવા, નવા ચેકડેમોના નિર્માણ કરવા તથા નાની સિંચાઈ યોજનાઓ અને ગ્રામ્ય તળાવોના રિપેરિંગ તેમજ ઊંડા કરવાના કામો ઝડપથી પૂર્ણ કરવા ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા હતા.
શિક્ષણ, આરોગ્ય અને આંતરમાળખાકીય વિકાસના કામોને વેગ અપાશે:
ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વિવિધ નવા રસ્તાઓ મંજૂર કરવા, સ્ટ્રીટ લાઈટના કામો આખરી કરવા, નવી આંગણવાડીઓ તાકીદે મંજૂર કરવી તેમજ પ્રાથમિક શાળાઓના નવા મકાનોના બાંધકામ માટે યોગ્ય સરકારી જગ્યા ફાળવવાની પ્રક્રિયા તેજ કરવા જણાવાયું હતું. બાળકોને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ કરવા, નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવી અને પશુપાલકોની સુવિધા માટે નવા પશુ દવાખાના સ્થાપવા જેવા મહત્વના પ્રશ્નો પણ બેઠકમાં ચર્ચાયા હતા. આ ઉપરાંત ખેડૂતોની વ્યાજ માફી, વિધવા સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ, ચોમાસા પૂર્વે કેનાલોની સઘન સફાઈ, પશુઓ માટે ગૌચરની જમીન ફાળવણી, ડી.આઈ.એલ.આર. અને રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો તેમજ વહીવટી વિભાગોમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અને મહેકમ ભરવા બાબતે સકારાત્મક વિચારવિમર્શ કરાયો હતો.
નવા ભળેલા ગામડાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા સૂચના:
બેઠકમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા) હેઠળ સમાવવામાં આવેલા નવા ગામડાઓમાં રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી આંતરમાળખાકીય વિકાસની કામગીરીઓ ખૂબ જ ઝડપથી આગળ વધારવા અધિકારીઓને જણાવાયું હતું. આ સાથે એફ.એમ.જી. ઇન્ટરશીપ પેટે ફીના પ્રશ્નો અંગે પણ યોગ્ય નીતિવિષયક ચર્ચા હાથ ધરાઈ હતી. કલેક્ટર પી.બી.પંડ્યાએ સંકલન સમિતિના તમામ સભ્યો અને અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ તરફથી મળતી રજૂઆતો એ સીધી પ્રજાની અપેક્ષાઓ અને પ્રશ્નો છે, તેથી વહીવટી તંત્રે તેને સર્વોચ્ચ અગ્રતા આપી તેનો હકારાત્મક ઉકેલ લાવવો અત્યંત અનિવાર્ય છે. તમામ કચેરીના વડાઓ આ કામોને સરકારી નિયમોની મર્યાદામાં રહીને સમયબદ્ધ રીતે પૂર્ણ કરે તે અપેક્ષિત છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિકુમાર સૈની સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
