<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

આજે અધિક માસની વિદાયઃ વર્ષ ૨૦૨૯ના ચૈત્રમા પુરુસોત્તમ માસનું થશે પુનઃ આગમન

અધિક માસનો આજે છેલ્‍લો દિવસ કાલે દ્વિતીય જયેષ્ઠ માસથી શરૂ થશે માંગલિક કાર્યોઃ આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ : વર્ષ ૨૦૨૬ની આજે સૌ પ્રથમ સોમવતી અમાસઃ હિન્‍દુ કેલેન્‍ડર મુજબ સામાન્‍ય રીતે ચૈત્રથી આસો માસ દરમિયાન દર ત્રીજા વર્ષે અધિક માસ હોય છે ધાર્મિક વાતાવરણ વચ્‍ચે પવિત્ર પુરુષોત્તમ માસ ના અંતિમ દિવસે બહેનો બની ભાવુકઃ ઉનાળુ સીઝન પૂર્ણ થતાં હવે સારા વરસાદ ની મનોકામના

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૫: પવિત્ર પુરરુષોત્તમ માસનો આજે છેલ્‍લો દિવસ છે. આવતીકાલ તારીખ ૧૬ જૂન થી દ્વિતીય જેઠ માસનો પ્રારંભ થશે.

 આજે અધિક જેઠ માસ વિદાય લઈ રહેલ છે ત્‍યારે હવે પછી આગામી ત્રીજા વર્ષે અંગ્રેજી કેલેન્‍ડર મુજબ સાલ ૨૦૨૯ ના ચૈત્ર મહિનામાં પવિત્ર પરસોતમ (અધિક) માસ નુ પુનઃ આગમન થશે. બીજી તરફ આજ તારીખ ૧૫ જૂન થી સત્તાવાર રીતે ચોમાસુ સત્રનો પ્રારંભ થયેલ છે.

આજે અધિક જયેષ્ઠ (જેઠ) વદ અમાવસ્‍ય નો દિવસ છે. જોગનુજોગ સોમવાર નો સંયોગ પણ છે. પંડિતો અધિક માસની સોમવતી અમાસનું ધાર્મિક રીતે વિશેષ મહત્‍વ હોવાનું જણાવી રહ્યા છે. કહેવાય છે કે, ૨૦૨૬ ની સાલની આ પ્રથમ સોમવતી અમાસ છે.

ગત તારીખ ૧૭ મે ને રવિવાર ના રોજ અધિક (જેઠ) માસ નો પ્રારંભ થયેલ હતો જે આજ તારીખ ૧૫ ને સોમવારના રોજ પૂર્ણ થઈ રહેલ છે. અધિક માસને પવિત્ર પુરુસોત્તમ માસ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ મહિનામાં ભગવાન શ્રી વિષ્‍ણુ ( શ્રી કૃષ્‍ણ) ની ખાસ ઉપાસના કરવામાં આવે છે. દર ત્રણ વર્ષે આવતા અધિક માસમાં સત્‍સંગ, પૂજા, ધ્‍યાન, વ્રત, પવિત્ર નદી કે જળાશય મા સ્‍નાન,દાન, બ્રહ્મ ભોજન, બટુક ભોજન ના ફળનું અન્‍ય મહિનાઓ કરતા વિશેષ (અનેક ગણું) મહત્‍વ હોવાનુ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન માંગલિક કાર્યો ને નિષેધ માનવામાં આવે છે. આવતીકાલ થી જેઠ માસ શરૂ થતાજ માંગલિક કાર્યો શરૂ થશે.

સામાન્‍ય વર્ષ દરમિયાન ૧૨ મહિનામાં આવતા દિવાળી, હુતશણી, રામનવમી, જન્‍માષ્ટમી, નવરાત્રી દશેરા સહિત પ્રત્‍યેક તહેવારોની ઉજવણી તથા મનોરથ જે રીતે કરવામાં આવે છે એજ ભાવ અને ભક્‍તિ સાથે પ્રવર્તમાન પુરુષોત્તમ માસના ૩૦ દિવસ દરમિયાન જુદા જુદા દરેક તહેવારોની તિથિ મુજબ મંદિરો તથા હવેલીઓમાં જુદા જુદા પપ્રસંગિક શૃંગાર ના દર્શન ની ઝાંખીનો તથા ઉત્‍સવ અને મનોરથ નો લાભ સમગ્ર મહિના દરમિયાન દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો એ લઈ ધન્‍યતા અનુભવેલ હતી.

ધાર્મિક લાગણી ધરાવતા લોકોએ સંપૂર્ણપણે ભક્‍તિ ભાવ સાથે ચાલુ માસમાં ઉપવાસ કે વ્રત રાખી પોતાની શ્રદ્ધા વ્‍યક્‍ત કરેલ હતી. ખાસ કરીને શેરી મહોલાઓ ની મહિલાઓ આખા મહિના દરમિયાન દરરોજ એકત્રિત થઈ ગોરમા ની પૂજા, સત્‍સંગ, ભજન, કીર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી પરસોત્તમ માસની અત્‍યંત ધાર્મિક માહોલ વચ્‍ચે ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી કરેલ હતી. આ સાથે નજીકના સ્‍થળે એક ટૂર (યાત્રા) યોજી 'વન ભોજન' નો પણ આનંદ માણતા બહેનો જોવા મળેલ હતી. આ રીતે સતત એક માસ પૂજન અર્ચનમાં વ્‍યસ્‍ત બહેનો ભાવ વિભોર બની પવિત્ર પરસોત્તમ માસને વિદાય આપતા રીતસર રડી પડતી જોવા મળેલ હતી!

સામાન્‍ય રીતે વર્ષ ૧૨ મહિના નું હોય છે પરંતુ વધારાનો (અધિક) મહિનો ઉમેરાતા તે ૧૩ મહિના નુ વર્ષ બને છે. જેના વિશે થોડી માહિતી જોઈએ તો જાણકારોના જણાવ્‍યા મુજબ અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે. પ્રવર્તમાન સમયમાં ૧૩ (અધિક) માસનુ વર્ષ હોવાના કારણે ચાલુ વર્ષે બે જેઠ મહિના છે. હિન્‍દુ પંચાંગ મુજબ હાલ વિક્રમ સવંત ૨૦૮૨ નુ વર્ષ ચાલી રહ્યું છે. જે વિક્રમ સવંત વર્ષ ૨૦૮૫ માં પણ ૧૩ મહિના નું વર્ષ આવશે.જેમાં બે ચૈત્ર મહિના હશે . પ્રથમ ચૈત્ર અધિક માસનો હશે. વિક્રમ સવંત ૨૦૭૯ (અંગ્રેજી કેલેન્‍ડર ૨૦૨૩) ના વર્ષમાં પણ ૧૩ માસ હતા. જેમાં પ્રથમ શ્રાવણ અધિક માસનો હતો. ક્‍યારેક ફાગણ માસ ની અપવાદરૂપ ઘટનાને બાદ કરતા હિદુ પંચાંગ મુજબ સામાન્‍ય રીતે વર્ષના છેલ્‍લા સાત મહિના માં એટલે કે ચૈત્ર માસ થી આસો માસ દરમિયાન જે કોઇપણ માસમાં સૂર્ય અન્‍ય રાશિમાં પ્રવેશ તો ન હોય તે માસમાં અધિક મહિનો આવે છે.

જાણકારોના મત મુજબ અધિક માસ એ એક ખગોળીય ગણિત છે. હજારો વર્ષ પૂર્વે ઋષિમુનિઓએ ભારતીય પરંપરામાં એક ખગોળીય અવલોકન (ઋતુઓ) અને ધાર્મિક જીવન વચ્‍ચે એક પ્રકારનો સમન્‍વય સ્‍થાપિત થાય તે માટેની સુંદર અને સરળ વ્‍યવસ્‍થા ગોઠવેલ છે. અંગ્રેજી કેલેન્‍ડર મુજબ દર ચોથા વર્ષે ૩૬૫ દિવસના વર્ષના બદલે ૩૬૬ દિવસ નું વર્ષ આવે છે. અર્થાત એક દિવસનો વધારો આવે છે જેના કારણે ફેબ્રુઆરીમાં ૨૮ દિવસના બદલે ૨૯ દિવસનો મહિનો થાય છે. જેને લિપ વર્ષ કહેવામાં આવે છે. એ જ રીતે હિદુ પંચાંગ મુજબ ચંદ્ર વર્ષ પ્રમાણે મહિના તથા સૌર (સૂર્ય) વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે.ચંદ્રવર્ષ આશરે ૩૫૪ દિવસનું અને સૂર્યવર્ષ આશરે ૩૬૫ દિવસનું હોવાના કારણે દર વર્ષે ૧૧ દિવસનો તફાવત રહે છે જે તફાવત દર ત્રણ વર્ષે ૩૩ દિવસ જેવો થઈ જાય છે. જેને સંતુલિત કરવા માટે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. ૩૨ મહિના અને ૧૬ દિવસ બાદ જે માસમાં સૂર્ય સંક્રાતિ ન હોય તે માસમાં અધિકમાસ આવે છે. જે વર્ષ તેર મહિનાનું હોય છે. જેના કારણે ઉત્‍સવો અને ઋતુઓ ના ચક્ર નુ પણ સુમેળ જળવાઈ રહે છે.

આજે અધિકમાસ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. પુરુષોત્તમ માસ માટે માત્ર એક રાત બાકી રહી છે. ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો આજે પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે મોડી રાત્રી સુધી પૂજન, કીર્તન, અર્ચન, અને ભજન નો લાભ લેશે. આ સાથે આજ થી સત્તાવાર રીતે ચોમાસુ સત્રનો પણ પ્રારંભ થયેલ છે. ત્‍યારે આજના પવિત્ર દિવસે લોકો સમયસર સારા વરસાદની મનોકામના સાથે આગામી વર્ષ સારું નીવડે તથા દેશ - દુનિયામાં શાંતિ ફેલાય રહે તેવી ભગવાન શ્રી પુરુષોતમરાયજી ને પ્રાર્થના કરી રહ્યા છે.

 

 

 

(10:51 AM IST)