<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ભાદર-૧ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવા ધોરાજી પંથકના ખેડૂતોની માંગ :માત્ર ૯૪૬ એમસીએફટી જથ્‍થો ઉપલબ્‍ધ

ઓછા વરસાદને કારણે ચોમાસુ પાક નિષ્‍ફળ જતાં ખેડૂતોની મુશ્‍કેલીમાં વધારોઃ શિયાળુ પાક બચાવવા સિંચાઈના પાણીની જરૂરિયાત

(કિશોર રાઠોડ દ્વારા) તા. ૨૦: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો હાલ સિંચાઈના પાણીની ગંભીર સમસ્‍યાનો સામનો કરી રહ્યા છે. ગત ચોમાસામાં ઓછા વરસાદને કારણે ધોરાજી સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કૂવા, બોર અને ચેકડેમના જળસ્‍તર નીચે ઉતરી ગયા છે. જેના કારણે ખેડૂતો માટે ખેતી કરવી મુશ્‍કેલ બની છે. ત્‍યારે શિયાળુ પાકનું વાવેતર શરૂ થતાં ખેડૂતો દ્વારા ભાદર-૧ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ ઉઠાવવામાં આવી છે.

ગત ચોમાસામાં ઓછા વરસાદને કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા મુખ્‍ય ચોમાસુ પાકને મોટું નુકસાન થયું હતું. બીજી તરફ ઓક્‍ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્‍કેલીમાં વધુ વધારો કર્યો હતો. ચોમાસુ પાકમાં નુકસાન સહન કર્યા બાદ હવે ખેડૂતો શિયાળુ પાકના વાવેતર તરફ વળ્‍યા છે. કેટલાક ખેડૂતોએ ઘઉં, ચણા સહિતના શિયાળુ પાકનું વાવેતર પણ કરી દીધું છે, પરંતુ કૂવા અને બોરમાં પાણીના સ્‍તર ઘટી જતાં ઉભા પાકને પિયત આપવું મુશ્‍કેલ બન્‍યું છે. જ્‍યારે હજુ વાવેતર બાકી હોય તેવા ખેડૂતો પણ સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે.આ સ્‍થિતિમાં ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા ભાદર-૧ ડેમમાંથી ખેતી માટે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો શિયાળુ પાક પણ નિષ્‍ફળ જવાની ભીતિ છે અને ખેડૂતોને વધુ આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.જોકે બીજી તરફ ભાદર-૧ ડેમમાં પાણીનો જથ્‍થો ઓછો હોવાને કારણે સિંચાઈ માટે પાણી છોડવાનો પ્રશ્ન પણ મુશ્‍કેલ બન્‍યો છે. ભાદર-૧ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૬૬૪૭ એમસીએફટી છે, જેની સામે હાલ ડેમમાં માત્ર ૯૪૬ એમસીએફટી જેટલો જ પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ હોવાનું ભાદર સિંચાઈ સલાહકાર સમિતિના સભ્‍ય જણાવી રહ્યા છે.

 હાલ ભાદર-૧ ડેમમાંથી જેતપુર, ખોડલધામ સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ડેમમાં ઉપલબ્‍ધ પાણીનો જથ્‍થો મર્યાદિત હોવાથી પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવી જરૂરી છે. આ સંજોગોમાં સિંચાઈ માટે પાણી છોડવું શકય ન હોવાનું સમિતિના સભ્‍યનું કહેવું છે.બીજી તરફ ભાદર-૧ ડેમમાં પાણીની ઘટતી સપાટીને ધ્‍યાનમાં રાખીને સૌની યોજના હેઠળ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જો સૌની યોજના હેઠળ ભાદર-૧ ડેમમાં પાણી પહોંચાડવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

હાલ ધોરાજી પંથકમાં એક તરફ ખેડૂતો શિયાળુ પાક બચાવવા માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ડેમમાં પાણીનો મર્યાદિત જથ્‍થો હોવાથી તંત્ર સામે પણ પડકાર ઊભો થયો છે. ત્‍યારે રાજ્‍ય સરકાર સૌની યોજના હેઠળ ભાદર-૧ ડેમમાં પાણી પહોંચાડવા અંગે શું નિર્ણય લે છે અને ખેડૂતોની સિંચાઈના પાણીની સમસ્‍યાનો કયારે ઉકેલ આવે છે તે જોવું રહ્યું.

(10:47 AM IST)