તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Monday, 4th May 2026
ટંકારામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ખેડૂતોની હાલાકી
અન્ના માલિકની રાવ મળતા ધારાસભ્યે કડક કાર્યવાહી કરી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૪: ૨૦૨૬ની રવિ માર્કેટિંગ સીઝન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, ટંકારા કેન્દ્ર પર કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને ધીમી ગતિને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે ધારાસભ્ય દુલભજી દેથરીયાએ તાકીદે હસ્તક્ષેપ કરી તંત્રને દોડતું કર્યું છે.
ટંકારા તાલુકા પંચાયત પાછળ આવેલા રાશનના ગોડાઉન ખાતે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. ખેડૂતોની ફરિયાદ મુજબ, અહીં ખરીદીની પ્રક્રિયા અત્યંત ધીમી એટલે કે ‘ગોકળગાય ગતિએ' ચાલી રહી હતી. દૈનિક ધોરણે માત્ર સિંગલ ડિજિટમાં (ખૂબ જ ઓછા) ખેડૂતોના ઘઉં સ્વીકારવામાં આવતા હોવાથી ખેડૂતોને લાંબો સમય રાહ જોવી પડતી હતી. આ વ્યવસ્થાના અભાવે ખેડૂતો અને કોન્ટ્રાક્ટરના માણસો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ખેડૂતોની આ મુશ્કેલીની જાણ થતાં જ ધારાસભ્ય દુલભજી દેથરીયા એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે તાત્કાલિક સંગઠનની ટીમ અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓને સ્થળ તપાસ માટે રવાના કર્યા હતા. ટીમે રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેનો અહેવાલ ધારાસભ્યને સોંપ્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા ધારાસભ્યએ ઉચ્ચ અધિકારીઓ સાથે સૂચના આપી હતી કેઃ ખરીદીની સંખ્યા વધારોઃ દૈનિક ધોરણે વધુમાં વધુ ખેડૂતોના ઘઉં લેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી.
કામગીરીમાં વેગ લાવવા અને ખેડૂતોને પડતી અગવડતા દૂર કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી.
વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોને દરરોજ કેન્દ્રની મુલાકાત લેવા જણાવ્યું છે.
ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે હેરાન થવું પડે તે ચલાવી લેવામાં આવશે નહીં. તંત્રને સ્પષ્ટ આદેશ અપાયા છે કે ખરીદીની પ્રક્રિયા ઝડપી બનાવી ખેડૂતોને સુચારૂ સુવિધા પૂરી પાડવામાં આવે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
