<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

પાવરગ્રીડ કંપનીની દમનગીરી સામે વઢવાણના નગરા ગામે ખેડૂત મહાપંચાયત યોજાઈ

આપના પ્રદેશ નેતાઓએ દમનગીરી સામે લડી લેવાની તૈયારી દેખાડીઃ સભામાં બાળકોનો બાળમજૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્‍યોઃ ખેડૂતો સાથે થયેલ દમન સહન નહિ કરવામાં આવે - આપ નેતાઓએ કર્યો હુંકાર

(ફરૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૦: વઢવાણ તાલુકાના નગરા ગામે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ૭૨૦ કે.વી વીજલાઈન ઉભી કરવા માટેના થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે જેમાં ખેડૂતોના ખેતરોમાં થાંભલા આવી રહ્યા છે જેમાં ખેડૂતો સાથે દમન કરવામાં આવી રહ્યું છે પોલીસ પ્રોટેક્‍શન નો ઉપયોગ કરી અને ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી અને આ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

ત્‍યારે ખેડૂતો સાથે થયેલા દમન બાદ હવે આ રાજકીય રંગરૂપ જાણે પકડી લીધો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે પહેલા આ મુદ્દે કોંગ્રેસ લડતમાં આવી હતી અને હવે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોની વચ્‍ચે જઈ રહી છે અને લડત આપવા અંગેની ખાતરીઓ શરૂ કરી દેવામાં આવી છે કોઈપણ પ્રકારનું વળતર હજુ સુધી ચૂકવવામાં આવ્‍યું નથી અને તે છતાં પણ બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતોની કીમતી જમીનો ઉપર ખાડાઓ ખોદી અને ત્‍યાં થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને પોતાના ખેતરોમાં પણ જવા દેવામાં આવતા નથી ત્‍યારે આ પ્રકારની પરિસ્‍થિતિમાં હવે આપ નેતાઓ પણ મેદાને આવ્‍યા છે.

વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયા પ્રદેશ આમ આદમી પ્રમુખ ઈશુદાન ગઢવી પ્રવીણ રામ બ્રીજરાજ સોલંકી વિક્રમ દવે પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ માધવીબેન રાજપૂત સહિતના નેતાઓ ઉપસ્‍થિત રહ્યા છે અને ખેડૂતો સાથે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્‍યું છે ૨૦૦૦થી વધુ ખેડૂતો નગરા ખાતે એકત્રિત થઈ અને આ મહાપંચાયતમાં જોડાયા છે.

ત્‍યારે ખેડૂતોને પહેલા પૂરતું વળતર ચૂકવવામાં આવે અને કંપની દ્વારા કોરીડોરમાં રહી અને કામગીરી કરવામાં આવે તે પ્રકારની માંગ આપ નેતાઓ દ્વારા કરવામાં આવી છે અને અગામી દિવસોમાં જો ખેડૂતો ઉપર દમન થશે તો ઉગ્ર આંદોલન અને લડત અંગેની ચીમકી પણ આપવામાં આવી છે. અને ખેડૂતોને જો વળતર વગર કામગીરી કરવામાં આવશે તો કામ બંધ રાખવા અંગેની તૈયારી પણ આપ નેતાઓએ જાહેર સ્‍ટેજ ઉપરથી ખેડૂતોને આપી છે.

નગરા ખાતે યોજવામાં આવેલી ખેડૂત મહાપંચાયતમાં બાળ મજુરી કરાવવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે આપ નેતાઓ જ્‍યારે પ્રવેશ કરવાના હતા ત્‍યારે સ્‍વયંસેવક તરીકે બાળકોને ઉભા રાખવામાં આવ્‍યા હતા અને જે બાળકોની શિક્ષણની ઉમર છે તેમને આપના કેસ અને ઝંડા લઈ અને સ્‍વાગત માટે ઉભા રાખી દેવામાં આવ્‍યા હતા આ ઉપરાંત પાર્કિગ વ્‍યવસ્‍થામાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો ત્‍યારે ખેડૂતોને લડત લડવા આવેલા આપ નેતાઓએ બાળકોનો ઉપયોગ કરી અને બાળમજુરી કરાવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે.

(10:05 AM IST)