News of Saturday, 18th July 2026
જેતપર ખેડુત આંદોલનઃ કાળુભાઇ અમૃતિયા ધુણ્યાઃ યુવાનો પણ મેદાનમાં
વિજલાઇન વળતર મુદે આંદોલન છાવણીમાં રાસ-ગરબાની રમઝટ બોલીઃ સરકાર સામે આક્રોશ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૮: જેતપર ગામે ખેડૂતો વીજલાઈન વળતર મુદે આંદોલન ચલાવી રહ્યા છે જે આંદોલન સાથે અવનવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અગાઉ ડાયરા અને આનંદનો ગરબો સહિતના કાર્યક્રમો બાદ ગઈકાલે અષાઢી બીજના પાવન પર્વે રાત્રે આંદોલન છાવણી ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજના પર્વની સૌ કોઈ ઉજવણી કરતા હોય છે ત્યારે જેતપર આંદોલન છાવણી ખાતે રાત્રીના રાસ ગરબાની રમઝટ જામી હતી જેમાં જેતપર તેમજ આસપાસના ગામની બહેનો રાસ ગરબા રમવા પહોંચી હતી બહેનો ઉપરાંત યુવાનો પણ ગરબે ઘૂમી ઉત્સાહિત થયા હતા.
આંદોલનકારી કાળુભાઈ અમળતિયા રાસ ગરબા કાર્યક્રમમાં ખુબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા તેઓ ધુણતા અને નાગિન ડાંસ કરતા જોવા મળ્યા હતા તેમના ઉત્સાહને પગલે અન્ય યુવાનો પણ મોજમાં આવી ગયા હતા અને મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.
તાજેતરમાં ખેડૂતોએ પદયાત્રા કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું ત્યારે વિવિધ બેનરો દેખાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેવા જ બેનરો રાસ ગરબા કાર્યક્રમમાં ગરબે ઘૂમતા યુવાનોના હાથમાં જોવા મળ્યા હતા વિવિધ બેનરોમાં સુત્રો થકી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.
જેતપર ગામે ઉપવાસી છાવણીમાં ૧૫ બહેનો અને ૧૧ ભાઈઓ પ્રતિક ઉપવાસમાં જોડાયા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૮: મોરબીના જેતપર ગામે ચાલી રહેલા વીજ પોલ વળતર સત્યાગ્રહને વેગવંતો બનાવવા વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં આજે પ્રતિક ઉપવાસમાં ૧૫ બહેનો અને ૧૧ ભાઈઓ જોડાયા હતા નાના દેવળિયા, મોટા દેવળિયા, ગોકુળિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાંથી ૪૦૦ થી વધુ લોકો સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યા હતા આંદોલન સ્થળે ધૂનનો કાર્યક્રમ પણ યથાવત રાખવામાં આવ્યો છે બહારગામથી આવતા લોકોની સંખ્યાને ધ્યાને લઈને આજથી છાવણીમાં રસોડું શરુ કરવામાં આવ્યું છે સવારે ૯ થી સાંજે ૬ સુધી પ્રતિક ઉપવાસમાં ૨૬ લોકો બેઠા હતા.(
પડધરીમાં શરૂ થયેલા પ્રતીક ઉપવાસને જેતપર ખેડૂત સમિતિનું સમર્થન
જ્યાં બિનરાજકીય રીતે ખેડૂતોના હકની વાત હશે ત્યાં સંપૂર્ણ ટેકો અપાશેઃ ખેડૂત આગેવાનોની સ્પષ્ટતા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૮: સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓનો અંત લાવતા ગુજરાત ખેડૂત છાવણી (જેતપર) ના આગેવાનોએ પડધરી તાલુકામાં યોજાઇ રહેલા ખેડૂતોના પ્રતીક ઉપવાસ કાર્યક્રમને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. મીડિયા સમક્ષ વાત કરતા આગેવાનોએ ખેડૂતોની અતૂટ એકતા અને બિનરાજકીય સંગઠનના મહત્વ પર ભાર મૂકયો હતો.
જેતપરના ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને કેટલાક ન્યૂઝ માધ્યમો થકી એવો મેસેજ ફેલાવવામાં આવી રહ્યો હતો કે પડધરી તાલુકામાં યોજાઈ રહેલા પ્રતીક ઉપવાસની છાવણીને ગુજરાત ખેડૂત છાવણી (જેતપર) નું સમર્થન નથી. આગેવાનોએ આ વાતને સદંતર ખોટી ગણાવીને રદિયો આપ્યો છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતના હિતલક્ષી કોઈ પણ કાર્યક્રમ હશે, ત્યાં ગુજરાત ખેડૂત છાવણી હંમેશા મોખરે રહેશે. આવનારા સમયમાં પણ કોઈ પણ જિલ્લા કે તાલુકામાં આવા ખેડૂતલક્ષી કાર્યક્રમો થશે, તો તેમાં જેતપર છાવણીનું સંપૂર્ણ પણે સમર્થન રહેશે. આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ મંચ બિનરાજકીય હોય છે, ત્યારે દરેક વિચારધારા ધરાવતો ખેડૂત પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે અને તેનાથી ખેડૂતોની એકતા વધુ મજબૂત બને છે. જ્યાં બિનરાજકીય રીતે ખેડૂતના હકની વાત હશે ત્યાં તેઓ હંમેશા ખભેખભો મિલાવીને સાથે ઉભા રહેશે.(
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
