તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Thursday, 26th November 2026
ગાળા-વઘાસિયા રોડ પર બાયપાસ માટે જમીન સંપાદનના વળતર સામે ખેડૂતોનો વિરોધ
નવસારી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની જેમ બજાર ભાવ ચૂકવવા ખાસ પરિપત્રની માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨૬ : મોરબી બાયપાસ નેશનલ હાઈવે-ર૭ માટે ગાળાથી વઘાસીયા રોડની આશરે ૪૩૧ હેક્ટર કિંમતી જમીન સંપાદન કરવાના જાહેરનામા સામે ખેડૂતોએ બાંયો ચઢાવી છે. જંત્રી મુજબ નજીવું વળતર ચૂકવી પોલીસ પ્રોટેક્શન હેઠળ કામ શરૂ કરવાના તંત્રના પ્રયાસ સામે જગતના તાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બજાર ભાવ ચૂકવવા સરકાર દ્વારા ખાસ પરિપત્ર કરાયો હોવાથી મોરબીના ખેડૂતોએ પણ સમાન ન્યાયની માંગણી કરી છે.
ખેડૂત આગેવાન રસિકભાઈ ચતુરભાઈ ચાડમિયાના જણાવ્યા અનુસાર મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકાના અંદાજે રરથી ર૩ ગામોની ૪૩૧ હેક્ટર ફળદ્રુપ અને પિયત જમીન સંપાદિત કરવા ગત જૂન ર૦ર૬માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં નર્મદા કેનાલની સુવિધા ઉપરાંત મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી જમીનની વર્તમાન બજાર કિંમત વીઘા દીઠ રૂ. ૨૦થી પ૦ લાખ જેટલી ઊંચી છે. તેમ છતાં તંત્ર દ્વારા જૂના દસ્તાવેજો અને જંત્રીને આધારે વીઘાના માત્ર રૂ. ૧થી ૪ લાખ જેટલું નજીવું વળતર નક્કી કરાતા ખરેડા સહિતના ગામોના ખેડૂતોએ જાહેરનામા સમયે જ કલેક્ટર કચેરીએ વાંધા અરજીઓ આપી વૈકલ્પિક માર્ગ અથવા વર્તમાન બજાર ભાવ મુજબ ચાર ગણું વળતર ચૂકવવા રજૂઆત કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે ખેડૂતોની રજૂઆતોને અવગણીને ત્રણ દિવસ પૂર્વે તંત્ર દ્વારા ડીવાયએસપી અને પીઆઈ સહિત પોલીસના ખટારા ભરીને શિવપુર ગામેથી કામ શરૂ કરવાનો પ્રયાસ ક૨ાયો હતો, જેનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વાંકાનેર ડીવાયએસપીની મધ્યસ્થી બાદ ખેડૂત પ્રતિનિધિઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે નવસારીમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે માત્ર ૭૮ હેક્ટર જમીન સંપાદનમાં સરકારે ખાસ પરિપત્ર બહાર પાડી કમિટી મારફતે વર્તમાન બજાર ભાવ નક્કી કર્યા હતા. વધુમાં, જીવાપર સહિતના વિસ્તારોમાં વિજલાઈનનું રૂ. ૩,૦૦૦ લેખે વળતર અપાયું છે, જ્યારે ખેડૂતોને રોડ માટે ચોરસ મીટરના માત્ર રૂ. ૬૦થી ૭૦ જેટલી નજીવી રકમ અપાતી હોવાનો આક્ષેપ કરાયો હતો. સરકારની શ્નએકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ સામે ખેડૂત આગેવાનોએ માજી સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દેથરીયા અને પરષોત્તમ રૂપાલા સમક્ષ આ મુદ્દે રજૂઆતો કરી હતી. હવે ગાંધીનગરથી મોરબી જિલ્લાના ખેડૂતોની તરફેણમાં નિર્ણય આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે.
નેશનલ હાઇવેના જમીન સંપાદન મુદ્દે કલેક્ટર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે, પ્રથમ જમીન એક્વિઝિશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની કામગીરી હાથ ધરાશે. તાજેતરમાં માપણીની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન બજાર કિંમત પ્રમાણે વળતરની માંગ સાથે રજૂઆત કરવા આવેલા અસરગ્રસ્તોને આર્બિટ્રેશન મારફતે કઈ રીતે આગળ આવવું તે અંગે સમજૂતી આપવામાં આવી છે. વધુમાં, આ મામલે થોડા જ સમયમાં આગળની કાર્યવાહી શરૂ ક૨વામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
