News of Friday, 1st May 2026
રાજુલાના વાવેરા ગામના ખેડૂતોની ઘાણો નદી પર કોઝવેની માંગ મુદ્દે ટીડીઓને આવેદન
તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક સર્વે અને ચોમાસા પહેલા કામગીરી શરૂ કરવા આપી સૂચનાઃ ૫૦ ખેડૂતો વર્ષોથી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા, તા.૧: રાજુલા તાલુકાના વાવેરા ગામની ઉત્તર દિશામાં આવેલ ઘાણો નદી ઉપર કોઝવે અથવા બ્રિજ બનાવવાની લાંબા સમયથી બાકી રહેલી માંગ અંગે આજે રાજુલા-જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિ તથા વાવેરા ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાલુકા વિકાસ અધિકારી કચેરી, રાજુલા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.એ. સરવૈયાએ તાત્કાલિક ગંભીરતા દાખવી સંબંધિત સિચાઈ વિભાગને ટેલિફોનીક જાણ કરી હતી. તેમણે સ્થળનો સર્વે હાથ ધરવા તથા આવનારા ચોમાસા પહેલા કોઝવે બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે વાવેરા ગામના લગભગ ૫૦ જેટલા ખેડૂતોને વર્ષોથી ૫ થી ૬ ફૂટ પાણીમાં ઉતરીને જીવના જોખમે નદી પાર કરવી પડે છે. ચોમાસા દરમિયાન તેમજ સૌની યોજના હેઠળ પાણી છોડાતા લાંબા સમય સુધી અવરજવર મુશ્કેલ બની રહે છે. નદી પાર કર્યા વિના ખેતરે જવાનો કોઈ વિકલ્પ ન હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાનની સાથે સાથે જાનહાનિનો ભય પણ સતત રહે છે. ખેતીના ઓજારો, બિયારણ, ખાતર અને પાક લાવવા-લઈ જવામાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ આવેદન કાર્યક્રમમાં વાવેરા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનકભાઈ ધાખડાની આગેવાની હેઠળ હનુભાઈ ધાખડા, બાબભાઈ ધાખડા, કોરાટ ભોળાભાઈ, કોરાટ પરસોતમભાઈ, કોરાટ વિનુભાઈ, વડોદરિયા જયસુખભાઈ, સાંબડ કનુભાઈ, બાંભણીયા ભગુભાઈ, પાસાની ભીમજીભાઈ, ગજેરા વિનુભાઈ, કોરાટ મગનભાઈ સહિતના ખેડૂતો હાજર રહ્યા હતા.
ખેડૂતોએ જણાવ્યું કે ઘાણો નદી પર કોઝવે ન હોવાથી વર્ષો જૂની આ સમસ્યા અમારા જીવન-મરણનો સવાલ બની ગઈ છે. તંત્ર દ્વારા આજે મળેલી હકારાત્મક ખાતરીથી ખેડૂતોમાં આશા જાગી છે. ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે અને વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
