News of Tuesday, 20th October 2026
ભચાઉના કકરવા ગામ પાસે બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 2 લોકોના ઘટના સ્થળે જ મોત: 6 લોકોને ઇજા
ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો કારનો કુરચો બોલી ગયો:ઘટનાસ્થળે પહોંચેલી ટીમોએ ઈજાગ્રસ્તોને બોલેરોમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા

કચ્છ જિલ્લામાં ભચાઉના ખારોઈ અને કકરવા ગામ વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા એક ટ્રકે બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો કારનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૫થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો મદદ અર્થે દોડી આવ્યા હતા. બનાવ અંગે ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમોએ ઈજાગ્રસ્તોને બોલેરોમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઉપરાંત હાઇવે પર સર્જાયેલા ટ્રાફિકજામને ખુલ્લો કરાવીને અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
