News of Thursday, 5th November 2026
ઉપલેટામાં કરોડોની મિલ્કત પચાવી પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલ પિતા અને બે પુત્રોની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી
ગેરકાયદે કબજો ખાલી નહિ કરવા અંગે રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવા ઇન્કાર

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. પ :.. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી કિંમતી મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડવાના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પિતા અને બે પુત્રોની રેગ્યુલર જામીન અરજી રાજકોટના ઇન્ચાર્જ એડિશનલ સેશન્સ જજ પ્રિતેશ જગદીશચંદ્ર કાયસ્થ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળના ગુનામાં ઉપલેટાના રહેવાસી અરજદાર સલીમભાઇ ઓસમાણભાઇ હીંગોરા તેમજ તેમના બે પુત્રો શાહનવાઝ ઉર્ફે સોયલો સલીમભાઇ હીંગોરા અને સોયબ ઉર્ફે સોયલો સલીમભાઇ હીંગોરાએ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.
આ કેસની વિગતો મુજબ, ઉપલેટાના સીટી સર્વે નંબર ૧૯૮૭ ખાતે આવેલી ૬૨૫-૦૮ ચોરસ મીટરની મિલકત ફરિયાદી વિમલભાઇ મેણશીભાઇ ડેર અને અન્યોએ તારીખ ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ રૂપિયા એક કરોડ પાંચ લાખમાં વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. દસ્તાવેજમાં દર્શાવેલા ભાડુઆત જુનેદભાઇ યાકુબભાઇ નાથાણીએ પોતાનો ભાડુઆત હકક ફરિયાદીને સોંપી આપ્યો હતો. પરંતુ તારીખ ૨૦/૦૪/૨૦૨૫ ના રોજ ફરિયાદી મિલકતનો કબજો લેવા જતાં ત્યાં કિંગ સર્વીસ સ્ટેશન ચલાવતા સલીમભાઇ ઓસમાણભાઇ હીંગોરા, શાહનવાઝ ઉર્ફે સોયલો સલીમભાઇ હીંગોરા અને સોયબ ઉર્ફે સોયલો સલીમભાઇ હીંગોરાએ કબજો સોંપવાનો ઇન્કાર કરી ધમકી આપતા કલેક્ટર કમિટીના હુકમથી ગુનો નોંધાયો હતો.બંને પક્ષોની રજૂઆતો બાદ અદાલતે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ટાંકીને નોંધ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગનો ગુનો સતત ચાલુ રહેતો ગુનો છે. અરજદારો મિલકત પર પોતાનો ભાડુઆત તરીકેનો હકક ૪રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમનો દિવાની દાવો પણ ઉપલેટા સિવિલ કોર્ટે પ્રાથમિક તબક્કે રદ કર્યો છે. આ ત્રણેય પિતા-પુત્રોએ હજુ સુધી મિલકતનો ગેરકાયદેસર કબજો ખાલી કર્યો ન હોવાથી, તેમને જામીન આપવા તે ગુનાનું પુનરાવર્તન કરવાની છૂટ આપવા સમાન ગણાશે તેવું અવલોકન કરીને અદાલતે સલીમભાઇ ઓસમાણભાઇ હીંગોરા તથા તેમના બંને પુત્રો શાહનવાઝ ઉર્ફે સોયલો અને સોયબ ઉર્ફે સોયલોની જામીન અરજીને કોર્ટે રદ કરી હતી.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
