<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ટંકારામાં ખાખીનો ખોફ ઓસર્યો! : ન્યાય મંદિરની બિલકુલ સામેથી જ મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની સનસનાટીભરી ચીલઝડપ

જમીને વોકિંગ કરવા નીકળેલા પાટીદાર અગ્રણીના પરિવારના મહિલાને નિશાન બનાવતી લૂંટારૂ મહિલા-પુરુષની બેલડી : ઘટના બાદ પોલીસ સ્ટેશન સામેથી જ મોરબી તરફ બેખોફ ભાગી છૂટ્યા

જયેશ ભટાસણા, ટંકારા: ટંકારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોય તેમ ગુનેગારો તદ્દન બેફામ બન્યા છે. શહેરમાં હવે લુખ્ખા તત્વો અને તસ્કરોમાં ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ ન્યાય મંદિર (કોર્ટ) જેવા અતિ સુરક્ષિત ગણાતા વિસ્તારની બિલકુલ સામેથી જ એક મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કોર્ટ અને પોલીસ સ્ટેશન જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારની નજીક બનેલા આ ગંભીર બનાવને પગલે સ્થાનિક પ્રજાની સુરક્ષા અને સલામતી સામે મોટા સવાલો ઊભા થયા છે.

 

બાઈક પર આવેલી મહિલા-પુરુષની બેલડી ચેઈન તોડી રફુચક્કર:

મળતી વિગતો મુજબ, ટંકારા શહેરના પોશ વિસ્તારમાં રહેતા અને મૂળ કલ્યાણપરના પાટીદાર અગ્રણીના પરિવારના એક મહિલા રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે જમીને (વારૂ કરીને) ટંકારા-જામનગર રોડ પર લતીપર ચોકડી પાસે વોકિંગ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન મોટરસાયકલ પર રેકી કરી રહેલી એક અજાણી મહિલા અને પુરુષની બેલડી અચાનક ન્યાય મંદિર સામે જ આ પ્રૌઢાની બિલકુલ નજીક ધસી આવી હતી. વાહનચાલક તત્વોએ તકનો લાભ ઉઠાવી મહિલાના ગળામાં પહેરેલા સોનાના કિંમતી ચેઈનની આંચકો મારીને ચીલઝડપ કરી લીધી હતી અને પલભરમાં અંધારાનો લાભ ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા.

 

પોલીસ સ્ટેશન સામેથી જ લૂંટારૂઓ મોરબી તરફ ભાગ્યા હોવાનો લોકગણગણાટ:

આ અચાનક બનેલી ઘટનાથી ભયભીત બનેલી ભોગ બનનાર મહિલાએ ગભરાઈને જોરજોરથી બૂમાબૂમ અને દેકારો મચાવ્યો હતો. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના મોટા ટોળાઓ તુરંત જ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને હાજર લોકોના જણાવ્યા અનુસાર, આશ્ચર્યની વાત તો એ છે કે આ લૂંટારૂ બેલડી ચેઈન સ્નેચિંગની વારદાતને અંજામ આપીને બિલકુલ ટંકારા પોલીસ સ્ટેશનની સામેના રોડ પરથી જ મોરબી તરફ બેખોફ થઈને ભાગી છૂટી હતી.

 

પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની ખુલી પોલ:

ભારે હોબાળા અને દેકારા વચ્ચે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોમાં પોલીસ તંત્રની ઢીલી કામગીરી સામે તીવ્ર આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોમાં એવો ગણગણાટ અને ચર્ચા શરૂ થઈ છે કે જો કોર્ટ અને પોલીસ સ્ટેશન જેવા અત્યંત વ્યસ્ત અને સુરક્ષિત વિસ્તારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોએ રાત્રિના સમયે નીકળવું ક્યાં? આ ઘટનાએ ટંકારા પોલીસની નાઈટ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના મોટા-મોટા દાવાઓની પોલ ખોલી નાખી છે. હાલ આ મામલે સ્થાનિક રહીશોમાં રાત્રિ સુરક્ષા સઘન બનાવવા તેમજ આ તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા ઉગ્ર માંગ ઉઠી રહી છે. જોકે, આ લખાય છે ત્યાં સુધી પોલીસ મથકે સત્તાવાર રીતે કોઈ ગુનો કે નોંધ કરવામાં આવી નથી.

(12:29 PM IST)