તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 5th July 2026
રફાળેશ્વર પાસે સરકારી ગોડાઉનમાં ભીષણ આગ : નાફેડની ૧.૬૦ લાખ ગુણી મગફળી સળગીને ખાખ : નુકસાનીની સંપૂર્ણ રિકવરી વેરહાઉસ કોર્પોરેશન પાસેથી કરાશે : જુઓ વિડીયો
ઘટના અંગે ફરિયાદ નોંધીને એફએસએલ તપાસ હાથ ધરાશે - જો કોઈની બેદરકારી કે સંડોવણી બહાર આવશે તો કડક કાનૂની કાર્યવાહી કરાશે : નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાનું સત્તાવાર નિવેદન

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીના રફાળેશ્વર નજીક આવેલા ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટનામાં કરોડો રૂપિયાની મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી બનાવને લઈને નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ મસમોટી આર્થિક નુકસાનીની ભરપાઈ કરવાની તમામ નૈતિક અને કાનૂની જવાબદારી વેરહાઉસીંગ કોર્પોરેશનની બને છે અને નાફેડ તેના માટે પૂરેપૂરો ક્લેમ કરશે.
નિયમ મુજબ તમામ જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહેશે:
નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રફાળેશ્વર પાસે આવેલા આ ગોડાઉનમાં અંદાજે ૧,૬૦,૦૦૦ (એક લાખ સાઠ હજાર) ગુણી મગફળીનો કિંમતી જથ્થો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ ગોડાઉન વેરહાઉસ કોર્પોરેશનના માધ્યમથી ભાડે રાખવામાં આવેલ હતું. સરકારી નિયમો અને શરતો મુજબ, ગોડાઉનમાં જે તે માલનો સ્ટોક ભર્યા પછી તેની સુરક્ષા, દેખરેખ અને કોઈપણ પ્રકારની હોનારત કે નુકસાનીની સંપૂર્ણ જવાબદારી જે તે વેરહાઉસ કોર્પોરેશનની જ રહે છે. આથી આગના કારણે થયેલા આ વ્યાપક નુકસાનની એકેએક પાઈની રિકવરી વેરહાઉસ કોર્પોરેશન દ્વારા કરવાની રહેશે.
એફઆઈઆર અને એફએસએલ તપાસનો ધમધમાટ શરૂ:
આ ભયાનક આગની ઘટના પાછળનું ચોક્કસ અને સાચું કારણ જાણવા માટે વેરહાઉસ કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે પછી કોઈ અન્ય કારણોસર, તેની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે એફએસએલ (FSL) ની ટીમ દ્વારા વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
દોષિતો સામે લેવાશે કડકમાં કડક એક્શન:
પોલીસ વિભાગ દ્વારા ગોડાઉન પરિસરમાં લાગેલા તમામ સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે કયા સમયે આગ લાગી અને તે દરમિયાન ત્યાં કોની હાજરી હતી તેની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મોહનભાઈ કુંડારિયાએ આ મામલે ભારપૂર્વક જણાવ્યું છે કે, આ ગંભીર ઘટનામાં જો કોઈ પણ સ્તરે કોઈની સંડોવણી, કાવતરું કે ગુનાહિત બેદરકારી સામે આવશે, તો કાયદાના દાયરામાં રહીને તે તમામ દોષિતો સામે કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
