<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા સામાન્ય પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવાઈ.

‘આનંદ સૌનો, અધિકાર સૌનો' અભિયાન હેઠળ 600 થી વધુ જરૂરિયાતમંદોને ફિલ્મ દર્શન સાથે નાસ્તો કરાવી સમાનતા અને સ્વાભિમાનનો અનોખો સંદેશ આપ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સમાજની સાચી સમૃદ્ધિ ત્યારે જ સાર્થક બને છે જ્યારે ખુશીઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે. આ ઉમદા વિચારને ચરિતાર્થ કરતા મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ‘આનંદ સૌનો, અધિકાર સૌનો' અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત વંચિત વિસ્તારોનાં બાળકો, સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા પરિવારો સહિત 600 થી વધુ લોકોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મનો વિશેષ શો બતાવી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ નિહાળવાની સાથે સૌને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાનો અનુભવ સુખી પરિવારો માટે સહજ હોય છે, પરંતુ સામાન્ય સ્થિતિના પરિવારો અને બાળકો માટે આ તક દૂર રહી જતી હોય છે. આ ખાઈ પૂરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપે ગરીબ વર્ગને પણ અન્ય લોકોની જેમ જ આનંદ માણવાની તક પૂરી પાડી છે. આ પહેલનો ઉદ્દેશ માત્ર ફિલ્મ બતાવવા પૂરતો સીમિત ન રહેતાં, દરેક બાળક અને પરિવારને સમાજમાં સમાન સ્થાન અને સન્માનનો અહેસાસ કરાવવાનો હતો.
આ પહેલ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, "આર્થિક સ્થિતિમાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ ખુશીઓ માણવાની તક અને વ્યક્તિના સન્માનમાં કોઈ તફાવત ન હોવો જોઈએ. ગરીબ પરિવારમાં જન્મેલા બાળકની ઈચ્છાઓ અને મનોરંજનની જરૂરિયાતો અન્ય બાળકો કરતાં ઓછી હોતી નથી. કોઈના ચહેરા પર હાસ્ય લાવવું આનંદની વાત છે, પરંતુ કોઈના મનમાંથી વંચિત રહી ગયાની લાગણી દૂર કરવી એ માનવતાનું સાચું સ્વરૂપ છે."
  અત્રે ઉલ્લેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષોથી તહેવારો અને વિવિધ પ્રસંગોએ વંચિત બાળકો તથા જરૂરિયાતમંદ પરિવારો માટે મનોરંજન, ભોજન અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ સેવાકાર્યો પાછળ કોઈના પર ઉપકાર કરવાની ભાવના નહીં, પરંતુ સમાજમાં પરસ્પર સન્માન, સમાનતા અને સ્વાભિમાનને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ રહેલો છે. ‘આનંદ સૌનો, અધિકાર સૌનો' અભિયાન થકી ગ્રુપે સંદેશ આપ્યો છે કે ખુશીઓ પર કોઈ એક વર્ગનો એકાધિકાર નથી, દરેક વ્યક્તિને આનંદ માણવાની સમાન તક મળવી જોઈએ

(11:20 PM IST)