હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ચોથા દિવસે પણ યથાવત: સિત્તેરથી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા છતાં ધૂંધવાટો ચાલુ : જુઓ વિડિયો
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગુલાબનગરના પાણીના ટાંકાથી ૩૦૦ મીટરની પાઇપલાઇન જોડીને આગ બુજાવવા માટે વિશેષથી આયોજન કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા(જામનગર તા ૨૩ : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ડમ્પિંગ પોઈન્ટ ખાતે લાગેલી આગ સતત ચોથા દિવસે પણ યથાવત રહેતાં ફાયર વિભાગ માટે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ફાયર બ્રિગેડની ટુકડીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક અથાગ મહેનત છતાં આગ અને ધૂંધવાટો હજુ સંપૂર્ણપણે કાબૂમાં આવી શક્યા નથી.
મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા સિત્તેરથી વધુ પાણીના ટેન્કરો ખાલી કરવામાં આવ્યા છે. ઉપરાંત ત્રીસથી વધુ ફાયર ઓફિસરો, ફાયરમેન અને જવાનોની ટીમો સતત સ્થળ પર ખડેપગે રહી આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ ગઈ છે.
ફાયર વિભાગના ફાયર ઓફિસર જે બી રાણા તેમજ અનવર ગજ્જણ ના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર કચરાના વિશાળ ઢગલાઓ ત્રીસથી ચાલીસ ફૂટ જેટલી ઊંચાઈ સુધી ખડકાઈ ગયા છે. તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ કચરો હોવાના કારણે આગ અંદરથી સતત સળગતી રહે છે. ઉપરના ભાગેથી અંદાજે દસથી પંદર ફૂટ સુધી પાણીનો મારો ચલાવી આગ ઠારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ અંદર ખૂબ ઊંડે સુધી સળગી રહી હોવાથી કામગીરી અત્યંત મુશ્કેલ બની રહી છે.
ફાયર વિભાગે ગુલાબનગર તરફના કચરાના ઢગલાઓ પર આંશિક કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળે છે, પરંતુ પાછળની સાઇડમાં રાજકોટ રોડ તરફના ભાગમાં હજુ અંદરથી ધૂંધવાટો ચાલુ હોવાથી ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. જેને કારણે આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો હજુ ચાલુ રાખવામાં આવ્યા છે.
આગ બુઝાવવાની કામગીરી વધુ અસરકારક બને તે માટે ફાયર વિભાગ દ્વારા વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. નજીકમાં આવેલા મહાનગરપાલિકાના પાણીના ટાંકામાંથી સતત પાણી પુરવઠો મેળવવા માટે એક ફાયર ફાઇટરને તૈનાત રાખવામાં આવ્યો છે. ત્યાંથી અંદાજે ત્રણસો મીટર લાંબી પાઇપલાઇન દ્વારા પ્રેશર સાથે પાણી પહોંચાડી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
બપોરના કડકડતા તડકામાં અંદર રહેલો કચરો ફરી સળગવા લાગતો હોવાથી ફાયર વિભાગની મહેનત પર પાણી ફરી વળતું હોવાનું જોવા મળી રહ્યું છે. તેમ છતાં ફાયર બ્રિગેડની ટીમો સતત પ્રયાસો કરી રહી છે અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે કામગીરી યથાવત રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
