News of Saturday, 24th October 2026
જામનગરના ધ્રોલની રજવી સોસાયટીમાં મકાનમાં શોર્ટ સર્કિટથી આગ : કોર્પોરેટરોની સતર્કતા અને ફાયર ટીમે ૮ મિનિટમાં દોડી આવી મોટી જાનહાનિ ટાળી
વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટરોએ ત્વરિત પગલાં લઈ ફાયર વિભાગને કરી હતી જાણ : ગોપાલભાઈ વરુ અને ટીમે સમયસૂચકતા દાખવી આગ પર કાબૂ મેળવ્યો

(મુકુન્દ બદીયાણી દ્વારા, જામનગર) : ધ્રોલ શહેરના વોર્ડ નંબર ૫ વિસ્તારમાં આવેલી રજવી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધોરણે સ્થાનિક કોર્પોરેટરોને આ બાબતે માહિતી આપી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ધ્રોલ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા તથા વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર અદનાન ઝન્નર, કોર્પોરેટર ફારૂકભાઈ વિરાણી, જીતુભાઈ ચૌહાણ, સલીમભાઈ નાગાણી અને મનસુખભાઈ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોર્પોરેટરો દ્વારા કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના તુરંત જ ધ્રોલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગના ગોપાલભાઈ વરુ અને તેમની ટીમ માત્ર ૮ મિનિટના ટૂંકા સમયમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે સક્રિયતા દાખવીને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી. કોર્પોરેટરો અને ફાયર ટીમની સંયુક્ત તેમજ ઝડપી કાર્યવાહીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના પરિણામે કોઈ મોટી જાનહાનિ થતી અટકી ગઈ હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
આ કટોકટીના સમયે ઉત્તમ કામગીરી કરનાર ફાયર ટીમના ગોપાલભાઈ વરુ સહિતના તમામ કર્મચારીઓની પ્રશંસા કરતા કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે આપત્તિના સમયે ત્વરિત પ્રતિસાદ આપીને નાગરિકોની સુરક્ષા માટે સદૈવ કાર્યરત રહેવું એ પ્રશંસનીય બાબત છે. ફાયર ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સમયસૂચકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
