News of Thursday, 8th October 2026
માળીયાના ભંડુરીમાં દારૂના ધંધાનો વિરોધ કરનાર પરિવારના મકાન પર ફાયરિંગ
સદનસીબે કોઈને ઇજા નહી, મહિલા સહિત ૪ શખ્સ સામે પોલીસ કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૮: માળીયા હાટીનાના ભંડુરી ગામે દેશી દારૂના ધંધાનો વિરોધ કરનાર પરિવારના મકાન પર શખ્સે ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો એવી છે કે, ભંડુરી ગામે રહેતા ૩૩ વર્ષીય એઝાત સુલેમાનભાઈ ગંભીરના ઘરની સામે રહેતા રોશનબેન હુશેનભાઈ સાળ ચોરી-છૂપીથી દારૂનો ધંધો કરતા હોય, આ બાબતે યુવાનના કાકાના દીકરા આરીફ સાથે મનદુઃખ ચાલતું હતું. મંગળવારે રાત્રે એઝાતભાઈ તથા તેમનો પરિવાર ઘરના ફળિયામાં બેઠો હતો. ત્યારે રોશનબેન, તેમના બે પુત્રો આસીફ સાળ તથા ઈમ્તિયાઝ સાળ અને રોશનબેનનો જમાઈ રસુલ એકસંપ થઈ ગાળો આપવા લાગ્યા હતા.
તેઓએ ‘અમે દારૂનો ધંધો કરીએ છીએ, બહાર નીકળશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી હતી.
આ દરમિયાન ભયના માર્યા એઝાતભાઈનો પરિવાર અગાસી પર જતો રહ્યો હતો. ત્યારે આસીફ સાળે પોતાની પાસે રહેલી જામગરી બંદૂકમાંથી ડરાવવાના હેતુથી ફરિયાદીના ઘર તરફ ફાયરિંગ કર્યું હતું.
આ ઘટના બાદ ૧૧૨ નંબર પર જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવની ફરિયાદ આધારે માળીયા હાટીના પોલીસે રોશનબેન, આસીફ, ઈમ્તિયાઝ અને રસુલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
