<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ભુજના હમીરસર તળાવમાં જીવન ટૂંકાવવા જતી મહિલાને ફાયર વિભાગે બચાવી: સમયસૂચક કામગીરીથી એક અમૂલ્ય જીવન બચ્યું

માનસિક તણાવમાં મુકાયેલી મહિલાને ફાયર વિભાગની ટીમે સલામત બહાર કાઢી પોલીસને સોંપી; પોલીસે પરિવારનો સંપર્ક કરી કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી, સંકટના સમયે ફાયર અને પોલીસ ટીમની સંવેદનશીલ કામગીરીની લોકોએ કરી સરાહના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮ : જીવનમાં ક્યારેક સંજોગો અને માનસિક તણાવ વ્યક્તિને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે તેને કોઈ માર્ગ સૂઝતો નથી. આવી જ એક સંવેદનશીલ ઘટના ભુજના હમીરસર તળાવ ખાતે સામે આવી હતી. માનસિક તણાવમાં મુકાયેલી એક મહિલા તળાવમાં કૂદવા જઈ રહી હતી, ત્યારે આસપાસના જાગૃત નાગરિકોએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જાણ મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્વરિત કાર્યવાહી કરીને મહિલાને સલામત રીતે બચાવી લીધી હતી. આ રીતે એક અમૂલ્ય જીવન બચાવવામાં ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરી નિર્ણાયક બની હતી.

ફાયર વિભાગની ટીમે મહિલાને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ પોલીસને સોંપી હતી. પોલીસ દ્વારા પણ ઘટનાની ગંભીરતા અને મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પોલીસે મહિલાના પરિવારજનોનો સંપર્ક કરી તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ઉપરાંત મહિલાને જરૂરી કાઉન્સેલિંગ માટે પણ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તે માનસિક તણાવમાંથી બહાર આવી શકે અને ફરી સામાન્ય જીવન તરફ આગળ વધી શકે.

આ ઘટનામાં આસપાસના નાગરિકોની જાગૃતિ, ફાયર વિભાગની ત્વરિત કામગીરી અને પોલીસની માનવીય સંવેદનશીલતા એકસાથે જોવા મળી હતી. ખાસ કરીને ફાયર વિભાગની ટીમે સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે પહોંચી મહિલાનો જીવ બચાવ્યો તે બદલ નગરજનો દ્વારા કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ ઘટના સમાજને પણ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે કે માનસિક તણાવ કે મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને ઠપકો કે ઉપેક્ષા નહીં, પરંતુ પ્રેમ, હૂંફ, સહકાર અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. જીવન અમૂલ્ય છે અને મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, પરિવારજનો તથા સમાજનો સહકાર મેળવી તેમાંથી બહાર આવી શકાય છે. કોઈ વ્યક્તિ માનસિક સંઘર્ષમાંથી પસાર થતી જણાય તો તેની વાત સાંભળવી, તેને હિંમત આપવી અને જરૂર પડે ત્યારે નિષ્ણાતની મદદ અપાવવી એ આપણી સૌની સામાજિક જવાબદારી છે.

ફાયર વિભાગની સમયસૂચક કામગીરીએ એક જીવન બચાવ્યું, જ્યારે પોલીસની સંવેદનશીલ પહેલે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને નવી આશા અને સહારાનો માર્ગ આપ્યો હતો.

(1:19 PM IST)