<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જામનગર જિલ્લા પંચાયતના હેલ્થ વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ: 10 કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત રૂ. 9 લાખથી વધુની સામગ્રી ભસ્મીભૂત

વહેલી સવારે 6:38 વાગ્યે બીજા માળે લાગેલી આગને ફાયર બ્રિગેડે સમયસર કાબુમાં લીધી: ડીપીએમયુ બ્રાન્ચનું ફર્નિચર-સાહિત્ય બળ્યું, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૮ : જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. થોડીવારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

 

જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ વહેલી સવારે 6:00 વાગ્યે 38 મિનિટે આગ લાગ્યાનો કોલ ફાયર બ્રિગેડને કર્યો હતો. સ્ટેશન ફાયર ઓફિસર જે. કે. ડામોર પોતાની ટીમ સાથે તુરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.

 

સમયસર આગ કાબુમાં આવી જતાં અન્ય વિભાગમાં આગ પ્રસરતી અટકી હતી. જોકે હેલ્થ વિભાગની ડીપીએમયુ બ્રાન્ચમાં 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર તથા કચેરીને લગતું અન્ય સાહિત્ય અને ફર્નિચર વગેરે આ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક અનુમાન મુજબ જિલ્લા પંચાયતની આ કચેરીને રૂપિયા નવ લાખથી વધુનું નુકસાન થયું છે.

 

ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગનો અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. આગ કઈ રીતે લાગી અને કેટલું નુકસાન થયું છે તેનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. વહેલી સવારે આગની ઘટના બનતા સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.

 

તસવીર: કિંજલ કારસરીયા, જામનગર

(10:05 AM IST)