<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ગુજરાતમાં પ્રથમવાર ભાવનગર પોલીસની અનોખી પહેલ: Gen Z યુવાનો સાથે સુરક્ષિત સમાજ માટે વિશેષ સંવાદ

સાયબર ક્રાઈમ, AI વીડિયો અને સિંગલ વિન્ડો સિસ્ટમ પર વિદ્યાર્થીઓના સવાલો, પોલીસ અધિકારીઓએ આપ્યા વ્યવહારુ માર્ગદર્શન

ભાવનગર : ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા રેન્જ આઈજી રાજેન્દ્ર વી. અસારી અને એસપી નિતેશ પાંડેયની આગેવાનીમાં ગુજરાતમાં પ્રથમવાર 'GEN Z લોક દરબાર'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ પહેલનો મુખ્ય હેતુ યુવા પેઢી સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને પોલીસ પ્રશાસન પ્રત્યેનો ડર દૂર કરવાનો અને સામાજિક સુરક્ષામાં યુવાનોની સહભાગિતા વધારવાનો હતો.

આ સંવાદ કાર્યક્રમમાં જ્ઞાનમંજરી અને સરદાર પટેલ કોલેજના 70 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઓપન મંચ પર યુવાનોએ સાયબર ક્રાઈમ, ઓનલાઇન નાણાકીય છેતરપિંડી, સોશિયલ મીડિયાની સાવચેતી, ડ્રગ્સ અને નશાબંધી તેમજ મહિલા અને બાળ સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર મુક્તપણે ચર્ચા કરી હતી.

વિદ્યાર્થીઓએ ઈવેન્ટ મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવા, સાયબર બુલિંગથી બચવા અને AI જનરેટેડ ફેક કે ડીપફેક વીડિયોની સત્યતા ચકાસવા માટે અધિકૃત પદ્ધતિઓ વિશે સવાલો પૂછ્યા હતા. આ તમામ તાર્કિક પ્રશ્નોના એસપી નિતેશ પાંડેય અને એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા વિગતવાર અને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

ભાવનગર પોલીસની આ દીર્ઘકાલીન શરૂઆત માત્ર એક ઔપચારિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ "સંવાદથી સહભાગીતા અને સહભાગીતાથી સુરક્ષિત સમાજ"ના મંત્રને સાકાર કરવા આગામી સમયમાં પણ આવા રચનાત્મક આયોજનો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

(12:16 AM IST)