News of Monday, 22nd June 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત બનશે : વર્ષ ૨૦૨૬ ના શૈક્ષણિક સત્રથી ૧૩ નવી માધ્યમિક શાળાઓને મળી સત્તાવાર મંજૂરી
ગ્રામ્ય અને અંતરિયાળ પંથકના બાળકોને ઘરઆંગણે જ મળશે ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા : ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે વહીવટીતંત્રનું મહત્વપૂર્ણ અને સશક્ત કદમ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા:ગુજરાતના સરહદી અને દરિયાકાંઠાના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ અને મજબૂત બને તે દિશામાં સરકારે એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જિલ્લાના અંતરિયાળ તેમજ છેવાડાના વિસ્તારોમાં વસતા પરિવારોના બાળકોને પોતાના ઘરઆંગણે જ માધ્યમિક શિક્ષણની પાયાની અને ઉત્તમ સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે વર્ષ ૨૦૨૬ ના નવા શૈક્ષણિક સત્રથી કુલ ૧૩ નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ સકારાત્મક પગલાને કારણે સમગ્ર જિલ્લાના શૈક્ષણિક જગતમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.
શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ૧૩ નવી શાળાઓની મંજૂરી મળવાના કારણે ગ્રામ્ય અને પછાત ગણાતા વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી ખાસ કરીને એવા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે જેમને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ આગળના અભ્યાસ માટે દૂરના શહેરો સુધી લાંબા થવું પડતું હતું. આ નવીનતમ વ્યવસ્થાથી જિલ્લામાં અધવચ્ચેથી ભણવાનું છોડી દેતા બાળકોના ડ્રોપઆઉટ રેશિયોમાં મોટો ઘટાડો લાવવામાં મોટી સફળતા સાંપડશે.
જિલ્લામાં મંજૂર કરવામાં આવેલી આ શાળાઓની વિગતવાર માહિતી જોઈએ તો, ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૮ નવી શાળાઓને લીલી ઝંડી મળી છે, જેમાં આરએમએસએ (RMSA) માધ્યમિક શાળા - વડાલીયા સિંહણ, આરએમએસએ માધ્યમિક શાળા - દાંતા, આરએમએસએ માધ્યમિક શાળા - સોનારડી, આરએમએસએ માધ્યમિક શાળા - ખજુરિયા, આરએમએસએ માધ્યમિક શાળા - સોઢા તરઘરી, આરએમએસએ માધ્યમિક શાળા - ચુડેશ્વર, આરએમએસએ માધ્યમિક શાળા - ગોઈંજ અને આરએમએસએ માધ્યમિક શાળા - પરોડિયાનો સમાવેશ થાય છે.
જ્યારે કલ્યાણપુર તાલુકામાં સરકારી માધ્યમિક શાળા - રાવલ (હનુમાન ધાર) અને આરએમએસએ માધ્યમિક શાળા - સિદસરા ખાતે નવી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જગતપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા - ભીમરાણા, આરએમએસએ માધ્યમિક શાળા - ધ્રાસણવેલ અને આરએમએસએ માધ્યમિક શાળા - મોજપ ખાતે નવી શાળાઓ શરૂ કરવામાં આવનાર છે. વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના ભાગરૂપે ધ્રાંસણવેલ, મોજપ, સિદસરા, સોનારડી, ખજુરિયા, સોઢા તરઘરી, ચુડેશ્વર, ગોઈંજ અને પરોડિયા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં જ કમ્પોઝિટ માધ્યમિક શાળા તરીકે આ નવો પ્રારંભ કરવામાં આવશે, જેથી માળખાકીય સુવિધાઓનો ત્વરિત લાભ વિદ્યાર્થીઓને મળી શકે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
