News of Wednesday, 7th October 2026
‘લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે' : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમા `રઢિયાળી રાત’ના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા નવરાત્રીના પાવન પર્વમાં સતત 15મા વર્ષે ગુંજશે
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીના પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે તે માટે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ કાર્યરત

રાજકોટ તા.૭ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમા રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા નવરાત્રીના પાવન પર્વમાં સતત 15મા વર્ષે ગુંજશે.
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીના પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે એ માટે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. 9825021279) અને તેમના દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન નિ:સ્વાર્થભાવે સવિશેષ કાર્યરત છે.
આ વર્ષે પણ, ખાસ શાળા-કોલેજનાં વિદ્યાર્થો માટે, ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળો : ચોટીલા (જ્ન્મભૂમિ), રાજકોટ અને અમરેલી (બાલ્યાવસ્થાની લીલાભૂમિ), ધંધુકા (શૌર્યભૂમિ), રાણપુર (કર્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), બગસરા (વડવાઓનું વતન), અમરેલી, ભરૂચ ખાતે રઢિયાળી રાતના પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન કરાયું છે.
લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. ધૂળધોયાનું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જ્યારે લગભગ નાશ થઈ ચૂક્યો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંદ્યાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ રઢિયાળી રાતમાં મૂક્યું. 450થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ રઢિયાળી રાતનો પહેલો ભાગ 1925માં અને ચોથો ભાગ 1942માં પ્રગટ થયો હતો.
ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પી’રિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં આજે પણ લોકમુખે રમતાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા આ સંગ્રહમાં છે.
મહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ ઝવેરચંદ મેઘાણી પાસેથી લોકગીતો સાંભળીને રાજી થયા હતા. લોકસાહિત્યના મૌલિક અને વિશિષ્ટ સંશોધન બદલ ઝવેરચંદ મેઘાણીને 1928નો પહેલવહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
(-આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી ● ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. 9825021279)
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
