<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કચ્છના રાપરમાં નર્મદા પેટા કેનાલની બદહાલ સ્થિતિ સામેની ફરિયાદને પગલે મદદનીશ કલેક્ટરે કરી સ્થળ તપાસ

પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય સહિત આગેવાનો અને ખેડૂતોએ કરી હતી રજૂઆત; રવિ પાકના વાવેતર પહેલાં કેનાલના સમારકામ અને સફાઈની માંગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ :  કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની રાપર મુલાકાત દરમિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ આડેસરથી ગાગોદર આવતી નર્મદા પેટા કેનાલની બદહાલ સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. કેનાલમાં ઠેરઠેર ગાબડાં, ઘાસ અને માટીના પુરાણને કારણે પાણીનો પ્રવાહ અવરોધાવાની તેમજ આગામી રવિ પાકના વાવેતર સમયે સિંચાઈના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે પ્રભારી મંત્રીએ ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક ટાલેને સ્થળ તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

જેના અનુસંધાને મદદનીશ કલેક્ટર અભિષેક ટાલેએ ટીમ સાથે ગાગોદર, સુખપર, આડેસર અને ગેડી ગામની નર્મદા કેનાલની ડિસ્ટ્રીબ્યુટરીની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કેટલાક સ્થળોએ વાહન જઈ શકે તેમ ન હોવાથી તેમણે બાઈક પર જઈને પણ કેનાલની સ્થિતિ નિહાળી હતી. સ્થળ ઉપર ખેડૂતોએ કેનાલની ખસ્તા હાલત અને ઠેર ઠેર ઉગેલ ઘાસની પરિસ્થિતિ, ગાબડા બતાવ્યા હતા. 

આ સ્થળ તપાસ સમયે મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, જિલ્લા પંચાયત સદસ્યો સુરેશ મકવાણા, જયદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ રાજપૂત, સ્થાનિક આગેવાનો, સરપંચો, ખેડૂતો અને નર્મદા નિગમના અધિકારીઓ જોડાયા હતા. કેનાલની સ્થિતિ અંગે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી સહિતની વિગતો એકત્ર કરી સરકારમાં અહેવાલ રજૂ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:38 AM IST)