<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

બાબરામાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: ૨૨૫ બોટલ વિદેશી દારૂ અને ઇકો કાર સહિત રૂ. ૨.૮૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો, એક શખ્સ ઝડપાયો

દરેક રોડ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; બાબરા પોલીસ સર્વેલન્સ ટીમની સફળ કામગીરી

(દિપક કનૈયા  દ્વારા) બાબરા: અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બાબરા પોલીસને દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે.
બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. ઓસુરા સાહેબની રાહબરી હેઠળ બાબરા પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ચારડિયા તથા ભારતભાઈ મકવાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે બાબરા શહેરના દરેક રોડ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન એક ગેરેજની છાપરી પાસે એક ગ્રે કલરની ઇકો કાર ઉભેલી જોવા મળી હતી. કારની તપાસ કરતાં ડ્રાઇવર સીટની પાછળ બે મોટી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. જેમાં તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની કુલ ૨૨૫ બોટલો, જેની કિંમત રૂ. ૩૮,૨૫૦ તથા મારુતિ સુઝુકી ઇકો કારની કિંમત રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨,૮૮,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં નારાયણ ઉર્ફે નરેશ જોહરીલાલ મોઢણિયા (ઉંમર ૨૮ વર્ષ)ને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાબરા પોલીસની આ સફળ કામગીરીથી દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
બાબરા પોલીસની સતર્કતા અને બાતમીદારોના સહયોગથી દારૂના દુષણ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(11:31 PM IST)